ગ્લોબલ વોર્મીંગની સૌથી મોટી અસર ખેડૂતો પર થઈ રહી છે. છેલ્લા ત્રણ વર્ષથી નવેમ્બર મહિનામાં થઈ રહેલા માવઠાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની કરવામાં આવેલી આગાહીના પગલે સૌરાષ્ટ્રના અમરેલીમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા. જાફરાબાદ, સાવરકુંડલા અને ધારી તાલુકાના વિસ્તારમાં કમોસમી વરસાદી ઝાપટા પડતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો હતો. ગુજરાતના અન્ય જિલ્લાઓની માફક અમરેલી જિલ્લામાં પણ સર્જાયેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે.માવઠાથી ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઇ ગયો છે ત્યારે માવઠાને કારણે થયેલા નુકસાનનું વળતર આપવા ખેડૂતોએ માંગણી કરી છે. કમોસમી માવઠાને કારણે ખેતરમાં ઉભા પાક ચણા, ઘઉં, ડુંગળી અને કપાસને નુકસાન થયું છે.
ખેડૂતોના કહેવા મુજબ કપાસ અને ઘાસચારામાં નુકસાનની વધારે શક્યતા છે. જ્યારે શાકભાજીમા ફૂગ આવવાની શક્યતા રહેલી છે. આ માવઠું સરકારે જાહેર કરેલી
અતિવૃષ્ટિ સ્કીમમાં આવતું ન હોવાથી અમરેલી જિલ્લામાં જ્યાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે ત્યાં ધરતીપુત્રોની હાલત કફોડી બની છે. ખેડૂતો આ કમોસમી વરસાદમાં પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી પ્રમાણે સરકાર રાહત આપે તેમ ઈચ્છી રહ્યા છે. ધારી તાલુકાના બોરડી ગામના ખેડૂતે નામ ન આપવાની શરતે સંજોગ ન્યૂઝને જણાવ્યું, ગામ બહાર પાણી કાઢી નાંખે તેવા વરસાદથી ખેતીને નુકસાન તો થયું જ છે. પહેલા મગફળીના પાકનો સોથ વળી ગયો હતો અને હવે કપાસને પણ નુકસાન થયું છે. આ સિવાય અન્ય પાકને પણ નુકસાન થશે. કપાસનો પાક પણ પવન સાથે પડેલા વરસાદથી જમીનદોસ્ત થઈ ગયો છે તેમજ મગફળી તથા
અન્ય તૈયાર પાક કમોમસી વરસાદથી બગડી જતાં મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જતાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

કોરોનાકાળમાં ખેડૂતોને બેવડો ફટકો
ખેડૂતોના કહેવા મુજબ માવઠાથી બાજરી, જુવાર, ઘઉં, કપાસ જેવા પાકોના કરેલા પાછોતર વાવેતરને પણ મોટા નુકસાનની સંભાવના છે. કોરોનાકાળમાં આર્થિક રીતે પાયમાલ થયેલા અમરેલી જિલ્લાના ખેડૂતોને રવીપાક સારો થવાની આશા હતી પરંતુ કમોમસી વરસાદના કારણે તેઓ લાચાર બન્યા છે.

માવઠાથી થયેલા નુકસાનનું વળતર આપવા માંગ
એક તરફ ભાદરવા મહિનામાં ધોધમાર વરસાદના પાકને બચાવવા મુશ્કેલ બન્યા હતા ત્યાં જ કમોસમી વરસાદથી પાકનો સફાયો થઈ જતાં ખેડૂતો પાયમાલ બન્યા છે. જેથી જવાબદાર તંત્ર દ્વારા માવઠાથી થયેલા નુકસાનનો
સર્વે કરાવી યોગ્ય વળતર આપવા ખેડૂતો ઉગ્ર માંગ કરી રહ્યા છે.