ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હિરપરાએ રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખીને કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાન અંગે તાત્કાલિક સહાયની માંગ કરી છે. છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને ભારે પવનથી આંબા પરની કેરીઓ ખરી પડતા કેરીનો પાક નિષ્ફળ ગયો છે. આ ઉપરાંત કેળના પાકને પણ નુકસાન થયું છે.
અપૂરતા ભાવના કારણે ખેતરોમાં પડેલી ડુંગળીનો નાશ કરવાની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે ઉનાળુ વાવેતર તલ અને બાજરીના પાકને પણ નુકસાન પહોંચ્યું છે. હિરેન હિરપરાએ જણાવ્યું હતું કે કુદરતી આપદાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે અને તેમના સપના રોળાયા છે. તેમણે રાજ્ય સરકારને જગતના તાતને વહેલી તકે મદદ કરવા અપીલ કરી છે.









































