સર્વે કરી સહાય ચુકવવા માટે ઈંટ ઉત્પાદકોની માંગ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના લીધે ૬ મેથી રપ મે ૨૦૨૫ વચ્ચે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડ્‌યા હતા. એટલું જ નહીં વાતાવરણમાં પલટો આવવાને કારણે જોરદાર વાવાઝોડું પણ ફૂંકાયુ હતું. આનાથી સમગ્ર ગુજરાતમાં સ્થાપિત ૨૫૦૦ મોટા ચીમની ભઠ્ઠા તથા ૪૦,૦૦૦ જેટલા નાના હાથ ભઠ્ઠી દ્વારા ઈંટ બનાવીને પકવતા ઇંટ ઉત્પાદકોને અંદાજે ૪૫૦ કરોડ રૂપિયાનું મોટુ નુકસાન થયું છે. જેથી કરીને આ મુદ્દે તાત્કાલિક ધોરણે આનો મહેસુલ વિભાગ દ્વારા સર્વે કરાવીને સહાય આપવાની રાજ્ય સરકાર પાસે માંગ કરવામાં આવી છે. આ અંગે ઈંટ ઉત્પાદક પ્રફુલભાઈ રાખશીયાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૧માં ૧૭ અને ૧૮ મેના દિવસે તાઉતે વાવાઝોડું આવ્યું હતું એના કારણે ઇંટ ઉત્પાદકોને પણ ભારે નુકસાન થયું હતું. હવે ૨૦૨૫માં પણ ૬થી રપ મે વચ્ચે કમોસમી વરસાદ અને વાવાઝોડુ આવ્યું હતું. આવી સ્થિતિમાં વર્ષ ૨૦૨૧ કરતા પણ વધારે નુકસાન આ વર્ષે થયું છે. એટલું જ નહીં કાચા માલનું પણ વધારે પ્રમાણમાં ધોવાણ થઈ ગયું છે તથા ઈંટ ઉત્પાદન પણ વહેલું બંધ થઈ ગયું છે. આ સમયગાળા દરમિયાન શરૂઆતમાં અન્ય રાજ્યમાંથી આવતા મજૂરો મોડા આવતા અને વરસાદને લીધે પણ વહેલું ઉત્પાદન બંધ થવાથી કુલ ઉત્પાદનમાં ૪૦થી ૪૫ ટકા સુધીનું જ કામ થયું છે. ગુજરાત જ નહીં દેશભરમાં ઈંટ ઉદ્યોગની વાત કરીએ તો એ રેલવે પછી બીજા ક્રમે કારીગરોને રોજગારી પૂરી પાડતો લઘુ તથા કુટીર ઉદ્યોગ છે. આ ઉદ્યોગ દેશભરમાં કરોડો મજૂરોને રોજગારી પુરી પાડે છે. ગુજરાતમાં પણ ૭થી ૮ લાખ મજૂરોને રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ આજે સદંતર ઠપ થઈ ગયો છે તેમજ લાખો માણસોની રોજગારી છીનવાઈ ગઈ છે. અમરેલી જિલ્લામાં પ૦૦થી વધુ પરિવારો ઈંટ ઉદ્યોગ સાથે જાડાયેલા છે. કાચો માલ કમોસમી વરસાદમાં ધોવાઈ ગયો હોવાથી ઈંટ ઉત્પાદકોને ભારે અસર પહોંચી છે. કાચા માલની સાથે કાચી ઈંટો પણ વરસાદને કારણે ધોવાઈ ગઈ છે જેથી આ ઈંટો ફરીવાર બનાવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. આમ અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની સાથે-સાથે ઈંટ ઉત્પાદકોને પણ ભારે અસર પહોંચી હોવાથી ઈંટ ઉત્પાદકોને થયેલા નુકસાનનો સર્વે કરી સહાય ચુકવવા માંગ કરવામાં આવી છે.