ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીને લઇ રાજકારણ ગરમાયું છે. ગઢમુક્તેશ્વરના કાર્તિક મેળામાં પણ આવનારી વિધાનસભા ચૂંટણીની અસર જોઇ શકાય છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે લખનૌમાં થનારી મહાપંચાયતને જોતા ભાજપાને ચેતવણી આપી છે. રાકેશ ટિકૈતે કહ્યું કે જો ૨૨ તારીખે લખનૌમાં થનારી પંચાયતને સરકારે રોકવાની કોશિશ કરી તો પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને ઉત્તર પ્રદેશમાં ઉતરવા દેવામાં આવશે નહીં. સાથે જ તેમણે કહ્યું કે કમળનું ફૂલ એક ભૂલ છે અને આ વખતે તેનો સફાયો કરવાનો છે.
રાકેશ ટિકૈત પણ ઉત્તર પ્રદેશ અને કેન્દ્રની સરકાર પર નિશાનો સાધવાની કોઇ તક જવા દેતા નથી. ટિકૈતે કહ્યું કે આ વખતે કમળના ફૂલનો સફાયો કરવાનો છે. તેમણે લોકોને કહ્યું કે ભાઈઓ, રાજ્યમાંથી કમળની સફાઇ કરવાની છે. કમર કસી લો.
ટિકૈત ૨૨ નવેમ્બરના રોજ લખનૌમાં પંચાયત કરવાના છે. એવામાં તેમણે ગઢમુક્તેશ્વરથી ઁસ્ અને ઝ્રસ્ને ચેતવણી પણ આપી દીધી છે. તેમનું કહેવું છે કે જો લખનૌની પંચાયત રોકવાની કોશિશ કરવામાં આવી તો પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને ઉતરવા દેવામાં આવશે નહીં.
કાર્તિકના મેળામાં પશ્ચિમી ઉત્તર પ્રદેશથી મોટી સંખ્યામાં લોકો પહોંચે છે. વિધાનસભા ચૂંટણી નજીક છે માટે રાજકીય દળોની નજર પણ આ મેળા પર લાગી છે. એજ કારણ છે કે મેળો રાજકીય પાર્ટીઓના પોસ્ટરોથી ભરાઇ ગયો છે. જણાવીએ કે, ભારતીય કિસાન યૂનિયન નેતા રાકેશ ટિકૈત હાલના દિવસોમાં ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણીને લઇ સક્રિય છે. કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાને લઇ તેઓ ધરણા પર બેઠેલા ખેડૂતોની આગેવાની કરી રહ્યા છે. સાથે જ તેઓ કેન્દ્રની મોદી સરકાર અને ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે.
આ પહેલા ટિકૈત કેન્દ્ર સરકારને અલ્ટીમેટમ પણ આપી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે, ૨૭ નવેમ્બરથી ખેડૂત ગામડેથી ટ્રેક્ટર લઈને દિલ્હીની ચારેય બાજુ આંદોલન કરશે. દિલ્હી બોર્ડર સુધી પહોંચશે. મજબુત કિલ્લેબંધી સાથે આંદોલન કરશે. આંદોલનના સ્થળે તંબુ બાંધવામાં આવશે. ટિકૈતે કેન્દ્ર સરકારે ૨૬ નવેમ્બર સુધીનો સમય આપ્યો છે. ખેડૂતો દિલ્હી આવીને પોતાના આંદોલનને વેગ આપશે. ખેડૂતોને બળજબરીપૂર્વક દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો સરકારી કાર્યાલયને અમે શાકભાજી માર્કેટમાં ફેરવી દેશું. ખેડૂત અને પોલીસ ટીમ વચ્ચે કોઈ ઘર્ષણ ન થાય એ માટે રાકેશ ટિકૈતે ચેતવણી આપી હતી.