કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથને ફટકો પડતાં, મધ્યપ્રદેશના છિંદવાડા મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી તેમની પાર્ટીના સાત કાઉન્સીલરો લોકસભા ચૂંટણી પહેલા સત્તાધારી ભાજપમાં જોડાયા છે. મંગળવારે મોડી સાંજે રાજધાની ભોપાલમાં રાજ્યના શહેરી વિકાસ પ્રધાન કૈલાશ વિજયવર્ગીયના ઘરે તેમના સમર્થકો સાથે કાઉન્સીલરો ભાજપમાં જોડાયા હતા. આ દરમિયાન તેમણે “મોદી સરકાર ફરી એકવાર” ના નારા લગાવ્યા.
ભાજપના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કાઉન્સીલરો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યોથી પ્રભાવિત છે. છિંદવાડાને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથનો ગઢ માનવામાં આવે છે, જે હાલમાં આ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય છે. વિકાસ એવા સમયે થયો છે જ્યારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ‘ભારત જોડો ન્યાય યાત્રા’ રાજ્યમાંથી પસાર થઈ રહી છે. સત્તાધારી પક્ષમાં સામેલ થયેલા સાત કાઉન્સીલરોમાં રોશની સલ્લમ, લીના તિર્કમ, સંતોષી વાડીવાર, દીપા મોહરે, જગદીશ ગોદરે, ચંદ્રભાન ઠાકરે અને ધનરાજ ભાવરકરનો સમાવેશ થાય છે.
તમને જણાવી દઈએ કે છિંદવાડા મહાનગરપાલિકામાં કુલ ૪૮ કાઉન્સીલર છે. સાત કાઉન્સીલરો ભાજપમાં જાડાતા મહાનગરપાલિકાનું સમીકરણ વણસી ગયું છે. મહાનગરપાલિકામાં કોંગ્રેસના ૨૬ કાઉન્સીલરો, ભાજપના ૧૯ કાઉન્સીલરો અને ત્રણ કાઉન્સીલરો અપક્ષ તરીકે વિજેતા થયા હતા. જેમાંથી બે કોંગ્રેસ અને એક ભાજપને સમર્થન આપી રહ્યા હતા.
છિંદવાડાથી લોકસભાના સભ્ય એવા કમલનાથ અને તેમના પુત્ર નકુલ નાથની ભાવિ કાર્યવાહી અંગે છેલ્લા કેટલાક સમયથી અટકળો ચાલી રહી છે. જો કે બંનેએ કહ્યું છે કે ભાજપમાં જોડાવાનો તેમનો કોઈ ઈરાદો નથી. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં, ભાજપે મધ્યપ્રદેશની કુલ ૨૯ લોકસભા બેઠકોમાંથી ૨૮ બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસે માત્ર છિંદવાડા બેઠક જીતી હતી. કમલનાથે નવ વખત છિંદવાડા લોકસભા સીટનું પ્રતિનિધિત્વ કર્યું છે.