ખેડા જિલ્લાના કપડવંજ વિસ્તારમાં એવી હૃદયદ્રાવક ઘટના બની છે કે જેને સાંભળીને કોઈપણ વ્યક્તિ ચોંકી જાય. વહેલી સવારે એક અકસ્માતે બે શ્રમિકોના જીવ લઈ લીધા, જ્યારે ત્રીજા શ્રમિક ગંભીર રીતે ઘાયલ થયો છે. અંધારામાં થયેલો આ અકસ્માત માત્ર એક ક્ષણમાં બે પરિવારોનું ભવિષ્ય બદલી ગયો. મળતી માહિતી મુજબ, કપડવંજના અમૂલ ચીલિંગ સેન્ટર પાસે આ ભયાનક અકસ્માત બન્યો હતો. ત્યાં ફૂટપાથ પર ત્રણ જેટલા શ્રમિકો સૂતા હતા. નજીકમાં એક જેસીબી ઊભું હતું. એ સમયે પાછળથી આવતા એક ડમ્પરે બેદરકારીપૂર્વક જેસીબીને જારદાર ટક્કર મારી. ટક્કર એટલી તીવ્ર હતી કે જેસીબીનું સંતુલન બગડી ગયું અને તે ફૂટપાથ પર સૂતેલા શ્રમિકો પર ફરી વળ્યું. અચાનક થયેલી આ ઘટનાથી ત્રાસ ફેલાઈ ગયો હતો. આ અકસ્માતમાં ત્રણેય શ્રમિકોને ગંભીર ઈજાઓ થઈ હતી. જેમાંથી બે શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે ત્રીજા શ્રમિક ગંભીર રીતે ઘાયલ થયો છે અને હાલમાં તેની સારવાર ચાલી રહી છે. અકસ્માત બાદ જેસીબી અને ડમ્પર બંનેના ડ્રાઇવર પોતાના વાહનો ત્યાં જ છોડી ફરાર થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ તરત જ પોલીસને જાણ કરી હતી.