કથા એ ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. ભારતીય ધર્મ પરંપરામાં મનુષ્યને ઉત્તમ મનુષ્ય બનવા તરફ દોરી જતા ઉપદેશો માત્ર કોરા કટ આદેશોમાં સમાઇ જતા નથી. પરંતુ ધર્મ અને માનવતાભર્યુ જીવન જીવવાનો બોધ આપતી વાતો કથાના રૂપમાં વણીને કહેવામાં આવી છે. તમે સત્ય બોલો – એમ કહીદેવું પૂરતુ નથી. ભારતીય સંસ્કૃતિ એ સત્યને ખાતર કોણે કોણે શું વેઠ્યું અને અંતે તેમને શું મળ્યું અને તેઓ કઇ રીતે આદર્શ કહી શકાય તેની રાજા હરીશ્ચંદ્ર સહિત અનેક કથાઓ છે. વચનબદ્ધતા મામલે  રાજા દશરથ કે ભગવાન રામની કથાઓ છે. જીવનના જુદા જુદા આયામોમાં કેમ વર્તવુ તેની કૃષ્ણ ચરિત્ર સહિતની કથાઓ છે. ભારતીય સંસ્કૃતિના વેદો, પુરાણો, ઉપનિષદો અને અનેક એનક શાસ્ત્રો માત્ર બોધ વચનો ઉપરાંત હજારો હજારો સંવાદો અને કથાઓથી ભરપૂર છે. માણસને આમ કરો, તેમ કરો તેમ સીધેસીધું કહેવાને બદલે તેને એક કથા કહેવાની અને આ કથા પરથી માણસ પોતે જ તે સાંભળીને આત્મ ચતન કરે અને પોતે જ નક્કી કરે કે પોતે કઇ રીતે ઉચ્ચ પ્રકારનો આદર્શ માનવ જીવન જીવી શકે. આમ કથા મનુષ્યને પોતાના નિર્ણયો પોતે જ કરવાનું એક અનોખું ધર્મ સ્વાતંત્ર બક્ષે છે. માણસ પોતાનો ધર્મ પોતે જ નક્કી કરી શકે અને એ પ્રમાણે જીવન જીવી શકે તે માટેની ભારતીય સંસ્કૃતિમાં આ એક સૌથી અલાયદી ધર્મ વ્યવસ્થા છે. અથવા તો કહો કે કથા વ્યવસ્થા છે અને તેથી કથા એ ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. કથાને ભારતીય સંસ્કૃતિથી કોઇ કાળે અલગ કરી શકાય નહી. પરંતુ ર૧મી સદી સુધી પહોંચતા સુધીમાં સમય બદલાયો છે અને આ કળિકાળમાં કેટલાક લોકોએ કથા તત્વને પણ ભ્રષ્ટ કર્યું છે. હળાહળ કળિયુગી રાજકારણ ભારતમાં પણ ફાટી નિકળ્યું છે અને બાકી હતું તો લોકોએ કથામાં રાજકારણ અને રાજકારણમાં કથાને ભેળવી દીધી છે. એ રીતે ભ્રષ્ટ એવા રાજકારણે કથાને પણ ભ્રષ્ટ કરી છે. આ કંઇ રીતે થયું છે વાત થોડી વિગતે સમજીએ…
વેદકાળથી લઇને વીસમી સદી સુધી ધર્મ ક્ષેત્રે કથા તંત્ર અલાયદી અને અનોખી રીતે ચાલતું હતું. પરંતુ ર૧મી સદીમાં અને હવે તાજેતરના વર્ષોમાં કથાક્ષેત્ર ઘણે અંશે તેની મુળભૂત ભાવનાને એક બાજુ રાખીને જુદી દિશા તરફ ફંટાયું છે અને ઘણે અંશે પ્રદુષિત થયું છે. કથા રામચરિત માનસની હોય કે ભાગવત કથા હોય અથવા તો શિવપૂરાણની હોય કે અન્ય કોઇપણ ધર્મ કથા હોય, આ કથાનો મુળ હેતુ લોકોને ધર્મભાવનાનો ઉપદેશ આપવાનો છે. વેદો, શાસ્ત્રો, પુરાણોમાં કહેવાયેલી કથાનું રસપાન કરાવતાની સાથે સામાન્ય લોકોને સમજ પડે તે રીતે સમજાવવાનો કથા પાછળનો હેતુ હોય છે. સામાન્ય રીતે વ્યાસપીઠ પરથી કથાકાર આ ફરજ નિભાવે છે. પરંતુ હવેનો કથાકાર આ ફરજ ક્યાંક ને ક્યાંક ચૂકી રહ્યો દેખાય છે. હવેના કથાકારનો મુખ્ય હેતુ ધર્મરસપાન કરતાં વધુ અર્થોપાર્જનનો પણ બની ગયો લાગે છે. કેટલાક કથાકાર હવે લાખોમાં નહીં, કરોડોમાં ફી વસુલે છે. સીધી રીતે નહીં તો આડકતરી રીતે આયોજકો પાસેથી રૂપિયા ખંખેરે છે અને આયોજકો પણ ખંખેરાય છે શા માટે ? તેમનો ઇરાદો પણ લોકો માટે ધર્મરસપાન પુરૂ પાડવાનો નથી. હકીકતમાં મોટાભાગે આયોજકો કથાના આયોજન પાછળ પોતાનું રાજકીય અને સામાજીક પ્રભુત્વ ઉભુ કરવા માંગે છે અને તેના માટે જ લાખો, કરોડોના ખર્ચે કથાના આયોજન થાય છે. કથાના આયોજનો પાછળ આયોજકોની ચોક્કસ રાજકીય ગણતરી હોય છે. કથાના જાહેર કાર્યક્રમોમાં ચોક્કસ લોકોને હાઇલાઇટ કરીને તેનું રાજકીય અને સામાજીક પ્રભુત્વ વધે તે માટેની હરકતો વિવિધ કથા કાર્યક્રમોના નામે ભજવાતી હોય છે અને એટલે જ પોતાનો રાજકીય મનસુબો પાર પાડવા માટે કથાના આયોજનો પાછળ આવા રાજકીય તત્વો જ `સ્પોન્સર’ જેવી ભૂમિકા `ડોનર’ના બેનર હેઠળ ભજવતા હોય છે અને એટલે જે રીતે ટીવી પર બતાવાતી ફિચર ફિલ્મની વચ્ચે વચ્ચે જાહેરાત આવ્યા કરે છે તે રીતે આવા નેતાઓ અને કહેવાતા સામાજીક કાર્યકરો કે કહેવાતા સેવકો વચ્ચે વચ્ચે જાહેરાતની જેમ હાઇલાઇટ થયા કરે છે અને તે માટે કથાકાર તેને મોકળુ મેદાન પણ વચ્ચે વચ્ચે આપ્યાં કરે છે. કથાકાર પણ બધુ જાણીજોઇને અને સમજી ને જ પોતાનો ધર્મ એક બાજુ રાખીને આવા તત્વોને હાઇલાઇટ કરવાનો `ધંધો’ કરે છે. સ્ટેજ પર રામ કે શિવ અથવા તો કૃષ્ણના ગુણગાન ગાતાની સાથે સાથો સાથ કેટલાક રાજકીય તત્વોના ગુણગાન પણ ગાય નાખે છેઆ રીતે કથાકાર ક્યારેક કલાકાર બની જાય છે.
અને હવે છેલ્લા વર્ષોમાં વળી આવી કથાઓ વિવિધ ચેનલો પર લાઇવ કરવાનો પણ ક્રેઝ ચાલ્યો છે. આમ કહેવાય એવું કે ધર્મરસને વધુને વધુ લોકો સુધી પહોંચાડવાનો તેની પાછળ હેતુ છે પરંતુ વાસ્તવીક્તા જુદી છે. આ લાઇવ પણ વાસ્તવમાં તો `ધંધાદારી’ જ હોય છે. તેના માટે પણ આ કંઇ શિવની સેવા નથી હોતી. તેના માટે રીતસરના રૂપિયા લેવાતા હોય છે અને લાઇવમાં પણ વારંવાર કથાને કોરાણે મુકીને રાજકીય તત્વોને હાઇલાઇટ કરવાની `પ્રોફેશનલ’ હરકત થતી રહેતી હોય છે. ચોક્કસ લોકોને હાઇલાઇટ કરવાની જ નહીં, આ હરકતોમાં કથા દરમિયાન અમુક લોકોને એવોઇડ કરવાની એટલે કે પડતા મુકવાની ટેકનીક પણ અગાઉથી જ ગોઠવાયેલી હોય છે. એટલે ચોક્કસ કથામાં ચોક્કસ જુથના લોકો હાઇલાઇટ થાય અને ચોક્કસ લોકો જાણે સમાજમાં છેજ નહીં એવું દેખાય તેવો ખેલ પણ આ કથાના આયોજનોમાં ખેલાતો હોય છે. આ રીતે ર૧મી સદી જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ કથાના આયોજન પાછળનો મુળભૂત હેતુ ભુસાતો અને ભુલાતો ચાલ્યો છે અને તેનો રાજકીય ઉપયોગ પ્રસ્થાપીત થતો ચાલ્યો છે. હવે તો કથાના આયોજનોમાં ચાલતા આ ખેલખપાટાઓ જાણે જનગણ માન્ય થઇ ગયા હોય તેમ લોકો પણ કહેતા થયા છે કે એમાં તો બધુ આવું જ હોય. કથામાં આવનાર લોકો પણ આ ખેલખપાટા સમજતા હોય છે પરંતુ તેની સામે અવાજ ઉઠાવનાર કે ચર્ચા કરનાર લોકોને `પંતુજી’ કે `જુનવાણી’ કહીને તેની ઠેકડી ઉડાવવામાં આવતી હોય છે.