ગામની પસાભાઈની જુવાનજોધ દિકરી રમલી ગુજરી ગઈ. સ્મશાનમાં આખું ગામ ભેળું થયું હતું. રવજીએ નોંધ્યું , કે તેનો ગોઠિયો મનોજ સંધાયથી નજર બચાવી આંસુ સારી રહ્યો છે. રવજી તે સમયે મનોજને કશું પૂછી શક્યો નહી.
અત્યારે મનોજ મળ્યો એટલે તરત જ પૂછ્યું,
— “ મનીયા ,દીકરી તો પહાભાઈની ગુજરી ગી, ઈમા તું કા મહાણમા હીબકા ભરતો’તો?”
— “ના રે ના, મારે શી વળી? ઈતો તારે આંખ્યમાં કણ પડ્‌યુ’થું, તે વળી પાણી આઈ ગ્યું’થું.”
આ સાંભળી રવજી મનોમન બબડ્‌યો,
— “ હા, મનીયા ઈ ક્યુ કણું હતું ઈ હંધીય મન ખબર છ.”
મનોજની આંખમાં ભીનાશ તરવરી. તે રવજીએ જોયું. -પૂછ્યું,
–” અતારે પણ કણ પડ્‌યું છ.?”
તે સાંભળી મનોજ નીચું જોઈ ગયો. તેનો આંખોનો બંધ તૂટવાની અણી પર આવી ગયો.