ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ફરી જામવાનો છે. કડી અને વિસાવદર પેટાચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ બાદ હવે ભાજપે આ બંને બેઠકો પર પોતાના પ્રભારીના નામની જાહેરાત કરી છે.
ગુજરાત વિધાનસભાની બે બેઠકોની પેટાચૂંટણીના પ્રભારી અને સંયોજકની ભાજપે મહત્વની જાહેરાત કરી છે. વિસાવદર બેઠક ઉપર રાજકોટ શહેરના પૂર્વ પ્રમુખ કમલેશ મિરાણી અને ધારાસભ્ય જયેશ રાદડિયા પ્રભારી તરીકે નિયુકત કરી છે. તો ભરત વડાલીયા સંયોજક તરીકે જવાબદારી સોંપાઈ છે. નરેન્દ્ર કોટીલા સહ સંયોજક તરીકેની જવાબદારી સોંપી છે.
આ ઉપરાંત કડી બેઠક ઉપર પૂર્વ ધારાસભ્ય મણિભાઇ સુરેશ પટેલને પ્રભારી બનાવાયા છે. પાટણ જિલ્લાના પૂર્વ પ્રમુખ દર્શનભાઈ ઠાકોર પણ પ્રભારી બનાવાયા છે. સંયોજક તરીકે વિનોદ પટેલને જવાબદારી સોંપાઈ. સહસંયોજક તરીકે હિમાંશુ ખમારને જવાબદારી અપાઈ.
ગઈકાલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા કડી અને વિધાનસભા પેટાચૂંટણી માટે પ્રભારીની જાહેરાત કરવામાં આવી હતી. બંને વિધાનસભા માટે ૪-૪ પ્રભારીની જાહેર કરવામાં આવી છે. વિસાવદર માટે પરેશ ધાણાની, ઈન્દ્રનીલ રાજ્યગુરુ, વશરામ સાગઠિયા અને પૂંજા વંશની પ્રભારી તરીકે નિમણૂંક કરાઈ. તો કડી માટે ગેનીબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને માલધારી નેતા રઘુ દેસાઈની પ્રભારી તરીકે નિમણૂંક કરાઈ. આ સાથે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, આ પ્રભારીઓ બે દિવસમાં સ્થળ પર જશે અને સ્થાનિક કાર્યકરોને મળશે. તેના બાદ મોવડી મંડળ મુકુલ વાસનિક પરામર્શ કરશે. અમે ૨ જૂન છેલ્લા દિવસે અમે ફોર્મ ભરવા નહિ જઈએ. અમે જીતવાના છે અને જીતવા માટે લડવાના છે. ગુજરાતમાં જે પરિસ્થિતિ તે પરિસ્થિતિ ત્રાજવામાં મૂકે.
કડી અને વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીને લઈ ચૂંટણી પંચ એક્ટિવ થયું છે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચૂંટણી પંચે મહત્વની બેઠક યોજી હતી. કડી તથા વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીને લઈ વીડિયો કોન્ફરન્સમાં ચર્ચા કરાઈ. આમ, ઓનલાઈન સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરો સાથે મુખ્ય ચૂંટણી અધિકારી વીસીના માધ્યમથી સમીક્ષા કરી હતી.
ગુજરાતની બે વિધાનસભા બેઠક કડી અને વિસાવદરમાં ૧૯ જૂને પેટાચૂંટણી યોજાશે, જ્યારે ૨૩ જૂને મતગણતરી હાથ ધરાશે.. ૨૬મેથી ઉમેદવારો ચૂંટણી ફોર્મ ભરી શકશે.