જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે છેલ્લા ઘણા વર્ષોથી પીવાના પાણીનો પ્રશ્ન હોવાથી આ પ્રશ્ન હલ કરવા માટે સરપંચ સવજીભાઇ મકવાણાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે. પત્રમાં જણાવ્યું છે કે, કડીયાળી ગામની વસતી પ૦૦ જેટલી છે. પરંતુ ગામમાં પીવાના પાણીનો એકેય કૂવો નથી. કૂવો ગાળવામાં આવે તો દરિયો નજીક હોવાથી ખારૂ પાણી નિકળે છે જે પીવાલાયક હોતું નથી. ગામની વસ્તી મુખ્યત્વે ખેડૂત અને ખેતમજૂરોની છે. આખો દિવસ ખેતીમાં કાળી મજૂરી કરીને લોકો સાંજે ઘરે આવે ત્યારે પીવા માટે પાણી હોતું નથી. જેથી બૈરાઓને દૂર દૂર આવેલ ખેતરોમાં આવેલ માલિકીના કૂવામાંથી પીવાનું પાણી ભરવા જવું પડે છે. ઉપરાંત સરકારી પ્રાથમિક શાળા તથા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકોને પણ પીવા માટે પાણી મળતું નથી. ગામલોકોએ ઘરવપરાશ માટે નાછુટકે પ૦૦ લિટર પાણીના રૂ.૩૦૦ ચુકવવા પડે છે.