કડીમાં રવિવારે રાતે ધોધમાર વરસાદ પડ્યા બાદ થોળ રોડ પર આવેલો અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ અંડરપાસમાં ૧૨ ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતુ. અંડરપાસમાં ભરાયેલા આટલા પાણીમાં કેટલાક વાહનો ફસાયા હતા. જેમાંથી છ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જ્યારે એક કાર ચાલક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
મહેસાણામાં રવિવારે સાંજથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ હતી. ભારે વરસાદથી અંડરપાસમાં પાણી ભરાયા હતા અને પાણી ભરાતા માટી ભરેલું ડમ્પર, લાકડા ભરેલું આઇસર, અલ્ટો અને સ્કોર્પિયો કાર સહિત ચાર વાહન ફસાઈ ગયા હતા. જે બાદ ફાયર વિભાગે અને સ્થાનિકોએ મહેનત કરીને ફસાયેલી બે ગાડીઓને બહાર કાઢી હતી, તો ઘટનાની જાણ થતાની સાથે જ પ્રાંત સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મદદમાં જાડાયા હતા.
વરસાદ બાદ કડીના થોળ રોડ પર આવેલો અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અંડરબ્રિજમાં પાણી ભરાતા ચાર વાહનો પાણીમાં ફસાતા તેમાં બેઠેલા છ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ. જ્યારે કાર ચાલક હર્ષદ પંચાલ નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતુ. રેસ્ક્યુની આ કામગીરી સોમવારે સવારે ચાર વાગ્યા સુધી ચાલી હતી. જાકે, આ દુર્ઘટના બાદ કડી નગરપાલિકા દ્વારા મોડી રાત્રે પાણી નિકાલની કામગીરી હાથ ધરી હતી.
હવે સૌથી મોટી વાત તો એ છે કે હજુ તો ચોમાસાની શરૂઆત પણ નથી થઈ વરસાદી ઝાપટા આવ્યા ત્યાં અંડર બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને એકનો ભોગ પણ લઈ લીધો. ત્યારે સ્થાનિક લોકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે, આ અંડર બ્રિજમાં પાણી ભરાવાની વારંવાર સમસ્યા છે.
લોકો તંત્રને સવાલ પૂછી રહ્યા છે કે, અવારનવાર આ અંડરબ્રિજમાં પાણી ભરાય જાય છે તો તે માટે અહીં કોઈ કામગીરી કરવામાં કેમ નથી આવતી.