કડી તાલુકાના થોળ રોડ સ્થિત રંગપુરડા નજીક નર્મદા કેનાલ પરથી પસાર થતુ શંકાસ્પદ પીક અપ ડાલાને જીવદયા પ્રેમીઓએ ૧૦ પાડાને ભરેલી હાલતમાં બે શખ્સો સાથે ઝડપી લઈ કડી પોલીસને સોંપતાં પોલીસે બે શખ્સોની સામે પશુ ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. કડીના થોળ રોડ સ્થિત દશા માતાજી મંદિર પાસે શહેરના જીવદયા પ્રેમી યુવાનો વહેલી સવારે ઉભા હતા.
આ દરમિયાન એક શંકાસ્પદ પિકઅપ ડાલુ પૂરઝડપે પસાર થયું હતું. જેનો જીવદયાપ્રેમીઓએ પીછો કરીને રંગપુરડા નજીક નર્મદા કેનાલ પાસે તેને ઉભુ રખાવી ડાલાના ચાલક અને સવારને પૂછપરછ કરી હતી. જોકે, બંન્ને શખ્સો ગલ્લા તલ્લા કરતા હતા. આથી આ અંગે કડી પોલીસને જોણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવતાં જીવદયાપ્રેમીઓને સાથે રાખી પોલીસે ડાલામાં તપાસ કરતાં અંદર ક્રૂરતા પૂર્વક ૧૦ જેટલા પાડા દોરીથી બાંધેલા હતા.
ડાલામાં પશુઓ માટે ઘાસચારા કે પાણીની પણ સુવિધા નહોતી. ડાલામાં વગર પાસ પરમીટે ખીચોખીચ ક્રૂરતાપૂર્વક કડીના કુરેશી ભીખુમીયાના વાડામાંથી ૧૦ પાડા ભરીને જીજે ૨૭ એક્સ ૭૮૨૨ નંબરનું ડાલુ તથા ૧૦ પાડા રૂ.૨૦૦૦૦ મળી કુલ રૂ.૨.૨૦ લાખના મુદ્દામાલ સાથે સલીમ ઉસ્માનભાઈ સુમરા (રહે.અમદાવાદ,સરખેજ) તથા ફેજમહંમદ શેરમહંમદ મેવ ( બહેરામપુરા, અમદાવાદ)ને ઝડપી લઈ તેમના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે