જુગલદાસ મહારાજ એક દાયકા પહેલા મહાકુંભ મેળાના દર્શન કરી પરત ફરી રહ્યાં હતાં. ત્યારે વિજાપુર ગામનાં સરપંચને ત્યાં ટોકાયા હતાં. સરપંચ વિઠલભાઇ ધાર્મિક સ્વભાવનાં હતા. તેમને સંતો મહંતો પર ખુબ ભાવ હતો.
વિજાપુર ગામથી બે ખેતરવા દૂર મહાદેવનું એક ભવ્ય મંદિર હતું. એ મંદિરમાં કોઇ પૂજારી ન હતો. આ અવાવરુ જગ્યા હતી તેથી વિઠલભાઇએ જુગલદાસ મહારાજને રોકાઇ જવા એ દિવસે વિનંતી કરેલી.
જુગલદાસ મહારાજને મંદિર ગમ્યું. તે દિવસથી રોકાયેલ જુગલદાસે મંદિરમાં રહીને જગ્યાની સીકલ ફેરવી નાખી. એક દાયકામાં મંદિરમાં પછી તો આશ્રમ ઉભો થયો, સદાવ્રત ચાલુ થયું. શ્રાવણ બેસતા જુગલદાસ મહારાજ પ્રવચન કરે. વેદાંત દર્શન એમનો પ્રિય વિષય હતો. પ્રવચન સાંભળવા શ્રોતાઓની ભીડ જામતી હતી. જેમાં નગીનદાસ શેઠના વિધવા પત્ની ચંદ્રકલા ય પ્રવચન સાંભળવા કારમાં આવતા કારણ શેઠાણીને ઘુંટણનો દુઃખાવો હતો. એ ખુરશીમાં બેસીને પ્રવચન સાંભળતા હતાં. પ્રવચન મંડપ બહાર બેઠેલા ભિખારી જેવા લોકોને ચંદ્રકલા બે પાંચ રૂપિયાનું દાન કરતાં. એ તો પ્રવચન સાંભળવા નહી પણ પોતાનો માભો પાડવા જ આવતા હતાં. હજાર રૂપિયાની સાડી, ગળામાં અમેરિકન મોતી ભર્યો નેકલેસ. સૌ જાઇ રહે એ ચંદ્રકલાને ય ગમતું. શેઠ નગીનદાસ પુષ્કળ સંપત્તિ મુકતા ગયા હતાં. એટલે ચંદ્રકલા દાન પુન્ય કરતી, ધાર્મિક કાર્યો કરતી, લોકો એની વાહ વાહ કરે એજ એને ગમતું હતું.
પણ એક જુગલદાસ મહારાજ તેને બહુ મહત્વ આપતા ન હતાં. નહીતર ચંદ્રકલાએ જુગલદાસને પોતાના બંગલે જમવાનું આમંત્રણ આપ્યું હતું. છતા મહારાજ ના પાડતા રહ્યાં. શેઠાણીને થયું હાલમાં મોટા મોટા આશ્રમો અમારા દાનથી ચાલે છે. સાધુઓને સંપત્તિની જરૂર પડે. જયારે આ મહારાજ શેઠ નગીનદાસ અને તેના આખા પરિવારને નજીકથી ઓળખતા હતાં. અંતે ચંદ્રકલાએ મહારાજને પુછયું ઃ ‘ મહારાજ મારે ત્યાં જમવા આવવાની ના કેમ પાડો છો ? ’ ‘તમારા ઘરમાં રહેલ ધન અપવિત્ર છે સાચુ કહું તમારા પતિ દારૂ જુગારનો અડ્ડો ચલાવતા હતાં. એમાં અનેક પરિવાર બરબાદ થતા હતાં એટલે હુ જમવાની ના પાડતો હતો’
જુગલદાસનું કડવું સત્ય સાંભળીને ચંદ્રકલા તેમને જાઇ રહ્યાં.