અમરેલી જિલ્લામાં હાલમાં હાંજા ગગડાવી નાખે તેવી ઠંડી પડી રહી છે. માનવી તો ઘરમાં રઝાઇ ઓઢીને ઠંડી સામે હૂંફ મેળવી લે છે પરંતુ પશુઓને ઠંડીમાં ફરજિયાત ઠૂંઠવાવું પડતું હોય છે. જાકે, પશુઓ પોતાની રીતે કોઇને કોઇ જગ્યાએ હૂંફ શોધી જ કાઢે છે. જેમાં ફોરેસ્ટરે સાવરકુંડલામાં આવતા એક ખેતરમાં ખાટલા પર આરામ કરતા ૪ સિંહબાળની ખેંચેલી તસવીર સામે આવી છે. મનને મોહી લેતી આ તસવીરમાં ૩ સિંહબાળ ખાટલાની ઉપર એકબીજાને ચોંટીને સુતા છે જ્યારે એક સિંહબાળ ખાટલાની નીચે આરામ ફરમાવી રહ્યું છે. આ રીતે કડકડતી ઠંડી સામે રક્ષણ મેળવવા સિંહબાળને આ સરસ સ્થળ હાથ લાગ્યું હોય તેવી અનુભૂતિ આ તસવીર કરાવી રહી છે.