ગુજરાત સરકારને અબજો રૂપિયાના ખાડામાં ઉતારીને પ્રાઇવેટ કંપનીઓને કચ્છ અને ભાવનગરમાં માઇનિંગ ઓપરેટર બનાવીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે. ચોંકાવનારી વિગતો એવી છે કે સરકારના જોહેર સાહસમાં માનિતી કંપનીઓના ટેન્ડર પાસ થાય એ રીતે ટેન્ડરીંગની પ્રક્રિયા પસાર કરવામાં આવી રહી હતી.
રાજય સરકારના ગુજરાત ખનીજ વિકાસ નિગમને નુકશાનીના ખાડામાં ઉતારનાર માઈનિંગ ફિક્સરના કાળા કરતૂતોની વિગતો હવે ભાજપના દિલ્હી દરબાર સુધી પહોચી જવા પામી છે. જેના પગલે હવે માઈનિંગ ફિક્સર સાથે સંકળાયેલી મહાલક્ષ્મી માઈન્સને અગાઉની સરકાર દ્વારા મિનરલ્સ ડેવલોપીંગ ઓપરેટર તરીકેને જે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે તે રદ કરવાની માંગ ઊંભી થવા પામી છે.
તાજેતરમાં ખનીજ વિકાસ નિગમના નફામાં પણ ઘટાડો નોંધાયો છે. આ જ રીતે ખનીજ ચોરી કરનારા માઈનિંગ ફિક્સરો પર લગામ રાખવી પણ જરૂરી બની છે. કચ્છમાં માઈનીંગ ઓપરેટર તરીકે છેલ્લા ૩૦ વર્ષથી જે કામ જીએમડીસી કરતુ હતું તે હવે મહાલક્ષ્મી માઈન્સને આપવામાં આવ્યુ છે.
ભાવનગર એનર્જી કંપનીની લિગ્નાઈટ માઈનીંગનું કામ પણ માઈનિંગ ફિક્સરના મળતિયાની બે કંપનીઓને આપવામાં આવ્યુ છે. ગુજરાત પાવર કોર્પોરેશન કંપનીની આ માઈન્સમાંથી ખનીજ કાઢવા માટે ભાવનગરના ભાજપના એક નેતાને અંદાજે ૩૫ કરોડ જેટલી રકમ પ્રોટેકશન મની તરીકે બીજો હેડ હેઠળ આપવામાં આવ્યા હોવાની ચર્ચાએ વેગ પકડયો છે.
માઈનિંગ ફિક્સરના કહેવાથી કચ્છના કલેકટર પ્રવીણા ડી કેની બદલી કરવામાં આવી હતી. જો કે પીએમઓની સૂચના બાદ તેમની બદલી રદ્દ કરવામાં આવી હતી. છેલ્લા પાંચ વર્ષના સમયગાળામાં બોકસાઈટ, લિગ્નાઈટ તથા લાઈમસ્ટોન સહિત જુદા જુદા ખનીજો પૈકી જોમનગર, કચ્છ, પોરબંદર, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં મોટા પાયે ખનીજ ચોરી કરવામા આવી હતી.
જેના કારણે સરકારને રોયલ્ટીની આવકમાં ઘટાડો થયો છે. હવે આ માઈનિંગ ફિક્સરે કરેલા ખનીજ કૌભાંડ તથા ખનીજ ચોરીની વિગતો વડાપ્રધાન કાર્યાલય સુધી પહોચી છે. માઈનિંગ ફિક્સરોએ ખનીજ ચોરી સહિત ૩૫૦૦ થી ૪૦૦૦ કરોડનું કૌભાંડ આચર્યુ હોવાનું સચિવાલયમાં ચર્ચાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે તેની સામે આયકર તથા ઈડી દ્વારા તપાસ હાથ ધરાય તેવી પણ સંભાવના છે.