કચ્છની ધરતી ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી છે. કચ્છમાં રવિવારે સવારે ૩.૨ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગાંધી નગર સ્થિત સિસ્મોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટના જણાવ્યા અનુસાર કચ્છમાં સવારે ૧૦.૦૬ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૨ માપવામાં આવી છે. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે કોઈ જાનહાનિ કે જાન-માલના નુકસાનના સમાચાર નથી.
સિસ્મોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર ભચાઉથી ૧૮ કિલોમીટર ઉત્તર-ઉત્તરપૂર્વમાં હતું. આ મહિનામાં જિલ્લામાં ત્રણથી વધુની તીવ્રતાનો આ ત્રીજા ભૂકંપ છે. અગાઉ ૨૩ ડિસેમ્બર અને ૭ ડિસેમ્બરે પણ કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ૨૩ ડિસેમ્બરે કચ્છમાં ૩.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ૭ ડિસેમ્બરે પણ ભૂકંપના કારણે કચ્છની ધરતી ધ્રૂજી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૨ માપવામાં આવી હતી.
શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ચાર માપવામાં આવી હતી. ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં રાત્રે ૯.૦૬ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર ૧૦ કિલોમીટરની ઉંડાઈએ હતું. ભૂકંપના કારણે કોઇપણ પ્રકારનું નુકસાન થયું નથી.
૪ ડિસેમ્બરે તેલંગાણાના મુલુગુમાં ૫.૩ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપના કારણે કોઇપણ પ્રકારનું નુકસાન થયું નથી. સવારે ૭.૨૭ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મુલુગુ નજીકના વારંગલના કેટલાક રહેવાસીઓએ જણાવ્યું કે સવારે ૭.૩૦ વાગ્યાની આસપાસ થોડીક સેકન્ડો માટે તેઓએ આંચકા અનુભવ્યા. છતના પંખા ધ્રૂજવા લાગ્યા અને છાજલીઓમાંથી વસ્તુઓ પડવા લાગી. મુલુગુ રાજ્યની રાજધાનીથી લગભગ ૨૦૦ કિલોમીટર દૂર છે. નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ (એનજીઆરઆઈ)ના નિવૃત્ત વૈજ્ઞાનિક પૂર્ણચંદ્ર રાવે જણાવ્યું હતું કે તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પાંચથી વધુની તીવ્રતાના ધરતીકંપ ભાગ્યે જ આવે છે.