કચ્છના સરહદી અને અત્યંત સંવેદનશીલ સરક્રિક વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓએ સતર્કતા વધુ વધારી છે. દરિયાઈ સરહદ પર નિયમિત પેટ્રોલિંગ દરમિયાન બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના જવાનોને ભારતીય જળસીમામાં એક શંકાસ્પદ પાકિસ્તાની બોટ મળી આવી છે. બોટ મળી આવતાં જ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે અને વિવિધ એજન્સીઓ દ્વારા સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, મ્જીહ્લના જવાનો સરક્રિક વિસ્તારમાં રૂટિન પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમની નજર ભારતીય જળસીમામાં રહેલી એક શંકાસ્પદ બોટ પર પડી હતી. તાત્કાલિક કાર્યવાહી કરીને જવાનોએ બોટને કબજામાં લીધી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, બોટ બિનવારસી હાલતમાં મળી આવી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બોટ ભારતીય જળસીમામાં કેવી રીતે પહોંચી અને તેનો હેતુ શું હતો તે અંગે હાલમાં કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. સુરક્ષા એજન્સીઓ તમામ સંભવિત એનગલથી તપાસ કરી રહી છે. ખાસ કરીને બોટનો ઉપયોગ ઘૂસણખોરી, દાણચોરી, ડ્રગ્સની હેરાફેરી અથવા અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે થવાનો હતો કે નહીં તે મુદ્દે તપાસ ચાલી રહી છે.
તપાસ દરમિયાન બોટની સંપૂર્ણ સ‹ચગ કરવામાં આવી રહી છે. તેમાં કોઈ શંકાસ્પદ સામગ્રી, હથિયારો, વિસ્ફોટકો, ડ્રગ્સ અથવા અન્ય પુરાવા છુપાવવામાં આવ્યા છે કે નહીં તેની પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.
કચ્છનો સરક્રિક વિસ્તાર વ્યૂહાત્મક રીતે અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. તેથી આ વિસ્તારમાં સુરક્ષા દળો સતત પેટ્રોલિંગ અને નજર રાખતા હોય છે. પાકિસ્તાની બોટ મળી આવ્યા બાદ બીએસએફ સહિત અન્ય સુરક્ષા એજન્સીઓએ દરિયાઈ સરહદ પર પેટ્રોલિંગ વધુ સઘન બનાવ્યું છે અને સમગ્ર ઘટનાની તપાસ ચાલુ રાખી છે.