કચ્છ જિલ્લામાં વહેલી સવારે લગભગ ૩ વાગ્યાની આસપાસ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૩.૧ નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી અંદાજે ૬ કિલોમીટર દૂર પૂર્વ-ઉત્તર દિશામાં આવેલું હતું. અત્યાર સુધીની માહિતી મુજબ કોઈ જાન-માલના નુકસાનની અહેવાલ નથી.
ભચાઉ અને આસપાસના વિસ્તારોમાં વસતા લોકોએ આ આંચકાને અનુભવ્યો હતો. ઘણા લોકો ઊંઘમાંથી જાગી ગયા અને ક્ષણિક ફફડાટ અનુભવ્યો. જો કે, તીવ્રતા ઓછી હોવાથી લોકો ઝડપથી સ્વસ્થ થઈ ગયા. એક સ્થાનિકે જણાવ્યું, “રાત્રે અચાનક ધરતી હલી, પણ તે ખૂબ જ હળવી હતી. અમે બહાર નીકળ્યા પણ કોઈ નુકસાન જોવા મળ્યું નહીં.”ગુજરાતના ઇન્સ્ટીટ્યુટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ અને નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ મુજબ આ પ્રકારના હળવા આંચકા કચ્છમાં વારંવાર અનુભવાય છે. કચ્છ વિસ્તાર ઉચ્ચ જોખમવાળા સિસ્મિક ઝોનમાં આવેલો છે.
આ પહેલા પણ કચ્છ જિલ્લાના દૂધઈ વિસ્તારમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.ઇન્સ્ટીટ્યૂટ આૅફ સીસ્મોલોજિકલ રિસર્ચ અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૩ માપવામાં આવી હતી. આ આંચકો મોડી રાત્રે ૧૨ઃ૪૬ વાગ્યે નોંધાયો હતો અને તેનું કેન્દ્રબિંદુ દૂધઈથી આશરે ૨૩ કિલોમીટર દૂર હતું.







































