છેલ્લા એક મહિનાથી બજોણા અભ્યારણ્યમાં એક પણ પ્રવાસી નહીં, કોરોનાબાદ ગરમીના કારણે પ્રવાસીઓ જોવા નથી મળતા અમિતાભ બચ્ચનની “ખુશ્બુ ગુજરાત કી” એડ બાદ પ્રવાસીઓની સંખ્યા વધી હતી કચ્છના નાના રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ઘૂડખર અને વિદેશી નયનરમ્ય પક્ષીઓના ઝુંડ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. એમાય અમિતાભ બચ્ચનની “ખુશ્બુ ગુજરાત કી” એડ બાદ રણમાં પ્રવાસીઓની સંખ્યામાં તોતિંગ વધારો નોંધાયો હતો. ત્યારે હાલ રણમાં ગરમીનો પારો ૪૮ ડીગ્રીએ પહોંચ્યો છે જેમાં છેલ્લા એક મહિનામાં અભ્યારણ્યમાં એક પણ પ્રવાસી ડોકાયો નથી. પહેલા કોરોનાએ પ્રવાસનની કમર તોડીને હવે કાળઝાળ ગરમીમાં અભ્યારણ્ય ભગવાન ભરોસે હોવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે.
૧૯૭૩માં રણના ૪૯૫૪ ચો.કિ.મી. વિસ્તારને રણ સિવાય વિશ્વભરમાં ન જોવા મળતા ઘૂડખર માટે રક્ષિત જોહેર કરવામાં આવ્યો હતો. આ રણમાં દુર્લભ ઘૂડખર, નિલગાય, કાળીયાર, ચિંકારા, વરૂ, નાવર, રણ લોંકડી અને ઝરખ સહિતના પ્રાણીઓ વસવાટ કરે છે. આ સિવાય બજોણા ટૂંડી તળાવમાં ફ્લેમીંગો, પેલિગન, સફેદ અને ગુલાબી કલરના લેસર અને ગ્રેટર પક્ષીઓ સહિત વિદેશથી શિયાળો ગાળવા આવતા પક્ષીઓનો અનોખો મેળાવડો જોમે છે. રણમાં જોવા મળતા વિવિધ રક્ષિત પ્રાણીઓ અને વિદેશી નયનરમ્ય પક્ષીઓનું ઝુંડ સ્થાનિક પ્રવાસીઓ અને વિદેશી પર્યટકોમાં અનેરૂ આકર્ષણ જમાવે છે.
એમાય કચ્છના નાના રણમાં પાંચ-છ વર્ષ અગાઉ યોજોયેલી પક્ષી ગણતરીમાં કુલ ૧૦૩ પ્રકારના ૯૯૭૪૦ પક્ષીઓ નોંધાયા હતા અને ૨૦૧૯માં કરાયેલી પક્ષી ગણતરીમાં આ સંખ્યા ૩૫૦%ના વધારા સાથે ૩૫૧૧૯૬ સુધી પહોંચી હતી. એ જ રીતે રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દૂર્લભ ઘૂડખરની સંખ્યા સને ૨૦૧૪માં ૪૪૫૧ નોંધાઇ હતી. જે થોડા સમય અગાઉ અભયારણ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડામાં આ સંખ્યા ૩૭%ના વધારા સાથે ૬૦૮૨ થઇ હતી.