કચ્છમાં ભુજમાં ભીડનાકા પાસે આવેલી ઝમઝમ હોટલમાં એક જ પરિવારના સભ્યોએ ભોજન લીધું હતું. ભોજન લીધા બાદ તબિયત લથડી હતી. તબિયત બગડતાં તમામ સભ્યોને વાયબલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારનાં એક સભ્યની સ્થિતિ ગંભીર થતાં વેન્ટીલેટર પર સારવાર આપવામાં આવી રહી છે. તબીબોએ ૫ સભ્યોના બ્લડ સેમ્પલ લઈ સારવાર આગળ વધારી છે.

ફૂડ પોઇઝનિંગની ઘટના બાદ સંચાલકે હોટલ બંધ કરી દીધી છે. હોસ્પિટલ દ્વારા ફૂડ પોઈઝનિંગના દર્દીઓ વિશે ભુજ બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે. પરિવારના ૭ માંથી ૫ લોકોએ હોટેલમાં ભોજન લીધું હતું.

અગાઉ નવસારીમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી હતી. ધાર્મિક પ્રસંગોએ ખોરાક ખાધા પછી સ્થાનિક લોકોને ઉલ્ટી અને ઝાડા થયા હતા, જેમાં લગભગ ૭૦ બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત થયા હતા. એક જ રસોઈયો બંને ગામોમાં ભોજન મોકલતો હતો. બીજી તરફ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે ખોરાકના નમૂના લીધા છે. જાણવા મળ્યું છે કે બધા ગામલોકોના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો હતો.

ઉનાળામાં ઝાડા, હીટ સ્ટ્રોક, ઉલટી, બેભાન થવું તેમજ ફૂડ પોઈઝનિંગ સામાન્ય છે. વાસ્તવમાં, જ્યારે ઉનાળામાં તાપમાન વધે છે, ત્યારે બેક્ટેરિયા અને સૂક્ષ્મ જીવો ઝડપથી વધે છે, જે ખોરાકને સરળતાથી ચેપ લગાડે છે. સૌથી મોટો ડર બહારના ખોરાકનો છે, જે આપણે ખૂબ ઉત્સાહથી ખાઈએ છીએ. આ સિવાય ખરાબ પાણી પણ ફૂડ પોઈઝનિંગનું કારણ બની શકે છે. ફૂડ પોઈઝનિંગ  ઘણીવાર નાના બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને પરેશાન કરે છે.

ફૂડ પોઇઝનિંગના મોટાભાગના કેસોમાં ઇ. કોલી બેક્ટેરિયાનો ચેપ જોવા મળે છે. જેની સીધી અસર લોહી, કિડની અને નર્વસ સિસ્ટમ પર પડે છે. આ સિવાય સૅલ્મોનેલા, સ્ટેફાયલોકોસી અને ક્લોસ્ટ્રીડિયમ બોટ્યુલિયમ જેવા કીટાણુઓ પણ ખોરાકને ચેપ લગાડે છે. ક્લોસ્ટ્રીડિયમ બોટ્યુલિયમ દ્વારા થતા ચેપને સૌથી ખતરનાક માનવામાં આવે છે.