અભિનેત્રી કંગના રનૌતને તાજેતરમાં જ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી છે. તેની સાથે સાથે સમારોહમાં કરણ જોહર અને એકતા કપૂરને પણ સન્માનિત કરવામાં આવ્યા છે. કંગનાએ જણાવ્યું કે, પદ્મ અવોર્ડ સેરેમનીમાં તેણે કરણ જોહરને શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ તે ત્યાં દેખાયા નહોતા. જો મળતા તો ચોક્કસપણે તેમની સાથે વાત કરતી. નોંધનીય છે કે કરણ જોહર અને કંગના રનૌત વચ્ચે જે લડાઈ અને મતભેદ છે તેનાથી કોઈ અજોણ નથી. બન્ને વચ્ચે વિવાદની શરુઆત વર્ષ ૨૦૧૭માં થઈ હતી. તે સમયે કંગનાએ કરણ જોહરના શો પર તેને બોલિવૂડમાં નેપોટિઝમને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો હતો. આટલુ જ નહીં, કંગનાએ કરણ જોહર માટે મૂવિ માફિયા જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ત્યારપછી કંગના અને કરણ અનેક વાર આસમને સામને થયા હતા. શક્ય છે કે કદાચ આ જ મતભેદને ધ્યાનમાં રાખીને પદ્મ અવોર્ડ્સના આયોજકોએ એવી વ્યવસ્થા કરી હતી કે કંગના રનૌત અને કરણ જૌહર આમને સામને ના આવે. આ બાબતે સમિટમાં કંગનાએ કહ્યું કે- અમારી સેરેમની અલગ અલગ સમયે થઈ હતી. મને લાગે છે કે અમને અલગ અલગ રાખવા માટે જ તેમણે સમય એવો રાખ્યો હતો. મેં ત્યાં કરણ જોહરને શોધવાનો પ્રયત્ન કર્યો પણ તે ત્યાં નહોતા. કંગનાને જ્યારે પૂછવામાં આવ્યું કે, જો કરણ તેમને ત્યાં મળતા તો શું તે તેની સાથે વાત કરતી? આ પ્રશ્નના ઉત્તરમાં કંગનાએ કહ્યું કે, હા બિલકુલ, બે લોકો વચ્ચે મતભેદ હોઈ શકે છે, અસહમતિ અને વિવાદ હોઈ શકે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તમે કો-એક્ઝિસ્ટન્સમાં વિશ્વાસ ના રાખો. હું દરેક પ્રકારના કો-એક્ઝિસ્ટન્સને પ્રોત્સાહન આપુ છું. કંગનાએ આગળ જણાવ્યું કે, સન્માન મેળવનારા અમુક લોકો એવા હતા, જેમના કારણે મને નિરર્થક અનુભવ થયો. તેઓ પોતાની હાજરીમાં એટલા સરળ અને વિશાળ હતા કે જ્યારે તે સામે આવ્યા અને તેમનો પરિચય થયો તો મને લાગ્યુ કે હું ઘણી સાધારણ છું. આવો અનુભવ મને ઘણો ઓછો થાય છે. આ પ્રકારના લોકોને પુરસ્કાર લેતા જોઈને મને લાગ્યું કે શું હું આટલી સારી છું?