ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં અસામાજિક તત્વોએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું છે. આ પ્રતિમા ભારત સરકારે ઓસ્ટ્રેલિયાને ભેટમાં આપી હતી. મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડી પાડવાને કારણે ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય લોકોમાં ભારે નારાજગી જોવા માટે મળી રહી છે. આ ઘટના પર ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને દુઃખ જોહેર કર્યું હતું અને શરમજનક ઘટના ગણાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટના ગાંધી પ્રતિમાના અનાવરણ થયા બાદ ગણતરીના કલાકોમાં બની હતી. વડાપ્રધાન સ્કોટ મોરિસને ભારતીય અધિકારીઓની હાજરીમાં આ પ્રતિમાનું ઉદ્‌ઘાટન કર્યું હતું. અખબાર ધ એજના અહેવાલ મુજબ, સ્કોટ મોરિસને કહ્યું છે કે, મહત્વપૂર્ણ સાંસ્કૃતિક સ્મારકો પર હુમલાને સહન કરવામાં આવશે નહીં. તેમણે સ્પષ્ટ કહ્યું કે જેણે પણ આ ઘટનાને અંજોમ આપ્યો છે તેને પોતાની જોત પર શરમ આવવી જોઈએ.
રિપોર્ટ્‌સ અનુસાર ગાંધી પ્રતિમાને નુકસાન પહોંચાડવા માટે ઇલેટ્રીક વાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મામલાની તપાસ માટે પોલીસે ઘટનાના પ્રત્યક્ષદર્શીઓને આગળ આવવા અપીલ કરી છે. આ મામલે સોશિયલ મીડિયા પર લોકોએ પ્રતિક્રિયાઓ પણ આપી છે.
ઓગસ્ટ મહિનામાં અમેરિકામાં મહાત્મા ગાંધીને ત્યાંનું સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા હતા. એક પ્રભાવશાળી ધારાશાસ્ત્રીએ યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં મહાત્મા ગાંધીને પ્રતિષ્ઠિત કોંગ્રેશનલ ગોલ્ડ મેડલથી મરણોત્તર સન્માન આપવા માટે ઠરાવ રજૂ કર્યો હતો. કોંગ્રેસનલ ગોલ્ડ મેડલ એ અમેરિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે.
ન્યૂયોર્કથી કોંગ્રેસના સભ્ય કેરોલિન બી મેલોનીએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં આ સંબંધમાં ઠરાવ રજૂ કરતાં કહ્યું હતું કે, મહાત્મા ગાંધીના વિરોધના અહિંસક અને ઐતિહાસિક સત્યાગ્રહ અભિયાને રાષ્ટ્ર અને વિશ્વને પ્રેરણા આપી હતી. તેમનું ઉદાહરણ આપણને અન્યોની સેવામાં પોતાને સમર્પિત કરવા માટે પ્રોત્સાહિત કરે છે.આપને જણાવી દઈએ કે અત્યારસુધી આ સન્માન જ્યોર્જ વોશિંગ્ટન, નેલ્સન મંડેલા, માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, મધર ટેરેસા અને રોઝા પાર્ક્‌સને આપવામાં આવ્યું છે.