ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૨ પછી, ભારતીય ચાહકોને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો જબરદસ્ત ડોઝ મળવા જઈ રહ્યો છે. ભારતીય ટીમ ઓક્ટોબરમાં યોજાનારા ટી ૨૦ વર્લ્ડ કપ પહેલા સતત એક્શનમાં જાવા મળશે. ઓસ્ટ્રેલિયાએ તેના શિડ્યુલની જાહેરાત કરી હતી, જે મુજબ તે ટીમ ઈન્ડિયા સાથે પણ ટક્કર કરવા જઈ રહ્યું છે.
ઓસ્ટ્રેલિયા ફેબ્રુઆરી અને માર્ચ ૨૦૨૩માં ૪ મેચની ટેસ્ટ સીરિઝ માટે પણ ભારતનો પ્રવાસ કરશે. આ સીરિઝ ચાલુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો એક ભાગ હોવાની શક્યતા છે. ઓસ્ટ્રેલિયાએ છેલ્લે ૨૦૧૬/૧૭માં ભારતનો પ્રવાસ કર્યો હતો. તેઓ ભારત સામે છેલ્લી ત્રણ ટેસ્ટ સીરિઝ ગુમાવી ચૂક્યા છે અને નવા એશિઝ વિજેતા કેપ્ટન પેટ કમિન્સ હેઠળ આ દુષ્કાળને સમાપ્ત કરવા માટે આતુર હશે.
આઇપીએલ ૨૦૨૨ પછી ૯ જૂનથી ટીમ ઈન્ડિયાનો સામનો દક્ષિણ આફ્રિકાની ટીમ સાથે તેમના ઘરઆંગણે થશે. આ ટી ૨૦ સિરીઝમાં પાંચ મેચ રમાશે. આ પછી, ૨૬ જૂનથી ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ સામે બે ટી ૨૦ મેચોની શ્રેણી રમશે. ઈંગ્લેન્ડ સામેની બાકીની ટેસ્ટ મેચ ૧ જુલાઈથી શરૂ થશે. આ પછી ઈંગ્લેન્ડ સામે ત્રણ વનડે અને ત્રણ ટી-૨૦ મેચોની સિરીઝ રમાશે. ટી-૨૦ સિરીઝ ૭ જુલાઈ અને વનડે સિરીઝ ૧૨ જુલાઈથી શરૂ થશે.
૨૨ જુલાઈથી ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ મેચની વનડે સિરીઝ રમશે. વિન્ડીઝની ટીમ સામે ૨૯ જુલાઈથી પાંચ મેચોની ટી ૨૦ સિરીઝ રમાશે. ટી ૨૦ સિરીઝની છેલ્લી મેચ ૭ ઓગસ્ટે રમાશે. ઓસ્ટ્રેલિયાના શેડ્યૂલ મુજબ તે સપ્ટેમ્બરમાં ભારત સામે ટી-૨૦ સિરીઝ રમવાની છે.ટી ૨૦ સિરીઝમાં કુલ ત્રણ મેચ રમાશે. તમને જણાવી દઈએ કે ટી-૨૦ વર્લ્ડ કપ ઓક્ટોબરથી શરૂ થશે અને તે રીતે આ સિરીઝ ટીમ ઈન્ડિયા માટે શાનદાર ટેસ્ટ જેવી હશે.