ભારતીય ઓલિમ્પિક એસોસિયેશન છેલ્લા ઘણા સમયથી ૨૦૩૬માં યોજાનાર ઓલિમ્પિકની યજમાની મેળવવામાં લાગેલું છે. રશિયાના રમતગમત મંત્રી ઓલેગ માતિત્સન હાલમાં ભારત પ્રવાસે આવ્યા હતા, તેમણે ભારતીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે મુલાકાત કર્યા બાદ કહ્યું હતું કે ભારત ૨૦૩૬ની યજમાની મળશે તેવી આશા રાખી રહ્યું તે સારી વાત છે.
અમે અમારા ઓલિમ્પિક ગેમ્સની યજમાનીના અનુભવ થકી ભારતને મદદ કરવા હંમેશા હાજર રહીશું. ભારતમાં ઓલિમ્પિકનું આયોજન થાય તો તેમને રશિયન સ્પેશિયાલિસ્ટની મદદ જરૂર મળશે. ભારતીય ઓલિમ્પિક એસોસિયેશન દ્વારા ૨૦૩૬માં ઓલિમ્પિકની યજમાની મેળવવા માટે આઇઓસી સાથે વાત કરી રહ્યું છે. જેના ઉદઘાટન સ્થળ તરીકે અમદાવાદની પસંદગીનો પ્રસ્તાવ હતો. આ કારણે ગુજરાત સરકારે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દાવેદારીની સમીક્ષા માટે આઇઓસીની ટીમ વર્ષ ૨૦૨૫માં ભારત આવશે.