વાહ રે જીંદગી વાહ કોઈ રોજગારી માટે માંડવા નાખીને આંદોલન કરે, કોઈ ડિગ્રીના સર્ટી. લઈને બેરોજગારીના મહેણાં સહન કરે, કોઈ દોઢડાહ્યા ખોટા અધિકારીઓ બનીને પ્રજાની લૂંટ કરે, આવી સ્થિતી વચ્ચે દેશના પ્રધાનમંત્રી મહિલાઓને આર્થિક પગભર કરવા માટે અનેક યોજનાઓ બનાવીને અમલી કરાવી રહ્યા છે. ત્યારે આવી યોજનાઓનાં લાભ મેળવીને આજે અનેક સ્વ-સહાય જુથોની બહેનો આર્થિક રીતે પગભર બની રહી છે.
ગોહિલવાડની ધરતી ભાવનગર જિલ્લાનાં સ્વ-સહાય જુથોને તાલીમ આપીને મદદ કરતી સંસ્થા ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશનનાં માધ્યમથી આજે અનેક સ્વ-સહાય જુથો રોજગારી આપવામાં આશાનું કિરણ બન્યા છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કલસાર ગામે ર૦૧૮માં સ્વ-સહાય જુથની રચના કરવામાં આવી. ૧૦ બહેનોના આ ગૃપનું નામ ઓમ યુવતી મહિલા મંડળ રાખવામાં આવ્યું. શરૂઆતમાં દસેય બહેનો દ્વારા મહિનામાં એક વખત ભેગા બેસીને નાની બચતની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ આ બહેનોને વિવિધ ખાખરા બનાવવાની તાલીમ આપવામાં આવી. પ બહેનોથી શરૂઆત કરી આજે ૩પ બહેનોને પોતાના ગામમાં-પોતાના ઘેર બેઠા રોજગારી મળી રહી છે.
શરૂઆતમાં પાંચ ફલેવરનાં ખાખરાથી શરૂઆત કરવામાં આવી હતી. બહેનો સારી કવોલીટીના ઘઉંનું દરણુ(સાફ) કરીને જાતે દળીને પોતાના ખેતરમાં પકાવેલા મરી-મસાલાનો ઉપયોગ કરી ખાખરા બનાવે છે. લોકોને ખાખરાનો ટેસ્ટ અને કવોલેટી સારી લાગતા દિવસે-દિવસે માંગ વધતી રહી છે.
આજે આ સ્વ-સહાય જુથની બહેનો ૧૩ પ્રકારના વિવિધ ફલેવરના ખાખરા બનાવે છે. વર્તમાન સમયમાં બાજરીના લોટમાંથી બનતા ખાખરાની સારી ડિમાન્ડ છે. આ બહેનો સાથે મળીને સંપ ત્યાં જંપ અને સાથે મળીને સહુની પ્રગતિ સહુ સુખીના નારા સાથે દર મહિને ૧પ૦૦ કિલોથી વધુ ખાખરા બનાવીને વેંચાણ કરે છે. દરરોજ એક મહિલા ૮ થી ૧૦ કિલો ખાખરા બનાવે છે. અને કિલો દીઠ મહેનતાણુ રૂ.૭૦ ચુકવવામાં આવે છે. આ પ્રમાણે એક બહેનને રૂ.૪૦૦ થી રૂ.૬૦૦ વચ્ચે રોજગારી મળી રહી છે. એક બહેનને મહિને રૂ.૮૦૦૦ થી ૧૧ હજાર વચ્ચે રોજગારી મળે છે.
ઓમ યુવતી મહિલા મંડળ દ્વારા બનાવવામાં આવતા ખાખરાનો કિલોનો વર્તમાનભાવ રૂ. ર૭પ થી ૩૦૦ સુધીનો છે. આ બહેનોને માર્કેટીંગ સપોર્ટ પિડીલાઈટ ઈન્ડસ્ટ્રીઝ મુંબઈના માધ્યમથી મળ્યો છે. ઉપરાંત અમદાવાદ, રાજકોટ, સુરત, મુંબઈ સુધી વેંચાણ કરવામાં આવે છે.
આ બહેનો સાથે મળીને રોજગારી તો મેળવી જ રહ્યા છે. ઉપરાંત તેઓની બચત અને બેન્કની મદદથી આજે આંતરીક ધિરાણ પણ કરી રહ્યા છે. કોઈ બહેનોને પરિવારમાં નાણાકિય જરૂરીયાત હોય તો બેન્કો પાસે લોન લેવા માટે નથી જવું પડતું. કયાંય ઘરવખરી, દર-દાગીના ઉપર લોન નથી લેવી પડતી. કોઈ શાહુકારો પાસે ઉંચા વ્યાજે લોન લેવાની જરૂરત ઉભી નથી થતી કારણ કે આજે આ બહેનો રૂ. બે લાખ સુધી આંતરીક ધિરાણ કરી રહ્યા છે. જેના હિસાબે ઘર-પરિવારને મોટો ટેકો મળે છે. સાચા અર્થમાં મહેનત કરી રોજગારી આપતા આવા સ્વ-સહાય જુથોની જરૂરીયાત છે. કારણ કે કાગળો ઉપરના અનેક સ્વ-સહાય જુથો સરકારની ગ્રાન્ટો ખાઈ ગયા છે ત્યારે ઓમ યુવતી મહિલા મંડળ એક નવી દિશા આપે છે. આ મહિલા મંડળનાં સુપરવાઈઝર તરીકે નિતાબેન છે. જેનો સંપર્ક નં.૯૭ર૪પ ૧પ૮૧૮ છે.
_ઃઃ તિખારો ઃઃ_
જીવનમાં એક વાત યાદ રાખજા ઠોકર ખાધા પછી કે સંબંધોમાં ઉંડા ઉતરતા પહેલા સામાવાળાની ક્ષમતા માપી લેવી કારણ કે તમે પોતાના ગણશો પણ સામેવાળા તમને પોતાના ગણે છે ખરા ???