(એ.આર.એલ),જમ્મુ,તા.૧૫
નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાના નેતૃત્વમાં જમ્મુ-કાશ્મીરમાં નવી સરકાર ૧૬ ઓક્ટોબરે શપથ લેશે. કલમ ૩૭૦ હટાવ્યા બાદ અને કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં આ પહેલી ચૂંટાયેલી સરકાર હશે. લેફ્ટનન્ટ ગવર્નર (એલજી) મનોજ સિન્હાએ બુધવારે નેશનલ કોન્ફરન્સના ધારાસભ્ય દળના નેતા ઓમરને મુખ્યમંત્રી તરીકે શપથ લેવા આમંત્રણ આપ્યું છે. તેઓ શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટરમાં સવારે ૧૧ઃ૩૦ વાગ્યે મુખ્યમંત્રી અને મંત્રીઓને શપથ લેવડાવશે.એક દિવસ પહેલા જ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી રાષ્ટÙપતિ શાસન હટાવવાની સૂચના સાથે નવી સરકારની રચનાનો માર્ગ ખોલી દીધો હતો. એનસી પ્રમુખ ફારુક અબ્દુલ્લા, કોંગ્રેસ, સીપીઆઇ એમ,આપ અને અપક્ષ ધારાસભ્યોએ ઓમરને શપથ લેવા વિનંતી કરતા સમર્થનનો પત્ર મોકલ્યો હતો. એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરતી વખતે અબ્દુલ્લાએ લખ્યું, લેફ્ટનન્ટ ગવર્નરના પ્રિન્સપલ સેક્રેટરીનું સ્વાગત કરીને ખુશી થઈ. મને જમ્મુ-કાશ્મીરમાં આગામી સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.ઓમર અબ્દુલ્લાએ ૧૯૯૮માં લોકસભાના સભ્ય તરીકે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. ત્યારબાદ, તેઓ કેન્દ્રીય મંત્રી અને વિપક્ષના નેતાના હોદ્દા સહિત અનેક મહત્વપૂર્ણ હોદ્દા પર રહ્યા. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે ઓમર અબ્દુલ્લાની આ બીજી ઇનિંગ હશે. આ પહેલા તેઓ ૨૦૦૯ થી ૨૦૧૪ સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. ઓમર અબ્દુલ્લાના શપથ ગ્રહણ સમારોહમાં ઘણા મહત્વપૂર્ણ નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે.