દાહોદમાં મનરેગા કૌભાંડમાં વ્યાપક ભ્રષ્ટાચાર મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે એક વીડિયોમાં જણાવ્યું છે કે મનરેગા યોજનામાં થતાં કૌભાંડની કોંગ્રેસે વિધાનસભામાં અનેક લેખિત અને મૌખિકમાં રજુઆતો કરી છે. ત્યારે આજે સરકાર જાગી છે. જવાબદાર કર્મચારીઓ અને એજન્સીએ કામ ન કરતા તેમની સામે કાર્યવાહી કરવા અનેક રજુઆતો પણ કરવામાં આવી હતી. તેમણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ટાંકીને કહ્યું કે, ઓપરેશન ગંગાજળ હેઠળ સફાયો કરો છો તો પહેલા રાજ્યનાં મંત્રીમંડળથી કરવી જોઈએ.

દાહોદમાં દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં થયેલ મનરેગા યોજનામાં મસમોટા કૌભાંડમાં ૫ કર્મીઓની પણ ધરપકડ થઈ છે, તેમજ રાજ્યનાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરાઈ છે,  તત્કાલિન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કિરણ પટેલની શોધખોળ કરી રહી છે.

ધાનપુર અને દેવગઢ બારીયામાં જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરી દ્વારા મનરેગા યોજના અંતર્ગત થયેલી કામગીરીમાં ભ્રષ્ટાચારની ફરિયાદ દાખલ થઈ હતી. જવાબદાર એજન્સી અને કર્મચારીઓ વિરૂદ્ધ  ૨૦૨૧-૨૪ દરમિયાન થયેલા રૂપિયા ૭૧ કરોડના કામોની તપાસમાં આરોપો મૂકાતા કાયદાકીય કાર્યવાહી કરવાની પણ ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં ૨ એકાઉન્ટન્ટ સહિત ૫ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ કૌભાંડમાં કિરણ અને બળવંત ખાબડે આગોતરા જામીન અરજી પણ કરી હતી.

દાહોદ જિલ્લામાં નકલી દ્ગછ જમીન કૌભાંડ  બાદ, ૨૦૨૧ થી ૨૦૨૫ દરમિયાન મનરેગા યોજના હેઠળ થઈ રહેલા કામોમાં ખોટા દસ્તાવેજા બનાવીને ગેરરીતિઓ આચરવામાં આવી હતી. આ ગેરરીતિની રકમ ૭૧ કરોડ રૂપિયાની થઈ હોવાનું સામે આવતા આ મામલે દાહોદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે ધાનપુર અને દેવગઢ બારિયાની ૩૫ એજન્સીઓ સામે ગુનો નોંધ્યો હતો. કથિત મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્રોના નામ ઉછળતાં ચકચાર મચી ગઈ હતી.