અમદાવાદ શહેરમાં મોબાઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. શહેર પોલીસે ઓઢવ વિસ્તારમાંથી ઝારખંડની હાઈટેક ગેંગના બે સાગરીતો રઘુ મહંતો અને વિક્રમ મહંતોને ૨૧ કિંમતી મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યા છે. આ ગેંગ ભીડભાડવાળા વિસ્તારો અને ખાસ કરીને આઇપીએલ જેવી મોટી ઇવેન્ટ્સને નિશાન બનાવી ચોરીને અંજામ આપતા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ગેંગ ઝારખંડના સાહેબગંજ જિલ્લાના મહારાજપુર અને નાયતુલા ગામથી સંચાલિત હતી. અગાઉ ફેબ્રુઆરી મહિનામાં અમિત મહંતો અને બાદલ મહંતોને ૯ મોબાઈલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા, જેઓની પૂછપરછ બાદ પોલીસ આ ગેંગના મુખ્ય ઓપરેટર સુધી પહોંચી હતી.
આ ગેંગની કામગીરી અત્યંત ચોંકાવનારી હતી. આરોપીઓ ખાસ ફ્લાઈટ દ્વારા અમદાવાદ આવતા અને ચોરી માટે નાના બાળકો, એટલે કે ‘ટેણીયાઓ’નો ઉપયોગ કરતા, જેથી કોઈને શંકા ન જાય. ભીડનો લાભ લઈ તેઓ ગણતરીની મિનિટોમાં મોબાઈલ ચોરી કરતા હતા. મોડસ ઓપરેન્ડી મુજબ તેઓ થ્રી-લેયર સુરક્ષા પદ્ધતિ અપનાવતા હતા, જેમાં મોબાઈલ ચોરનાર વ્યક્તિ તરત જ બીજાને અને પછી ત્રીજા વ્યક્તિને ફોન પાસ કરી દેતો, જેથી મુખ્ય આરોપી પકડાય તો પણ તેની પાસે મુદ્દામાલ ન મળે. પકડાઈ ન જવાય તે માટે આરોપીઓ ખાસ ખાનાવાળી બનિયાન પહેરતા અને ચોરેલા મોબાઈલને સિલ્વર ફોઈલમાં લપેટી દેતા, જેથી ફોનનું સિગ્નલ બંધ થઈ જાય અને ટ્રેસ ન થઈ શકે. આરોપીઓના કહેવા મુજબ, સિલ્વર ફોઈલમાં ફોન રાખવાથી કોલ કરવાથી પણ ફોન બંધ આવે છે.
આ ગેંગે અમદાવાદ ઉપરાંત બેંગાલુરૂમાં રમાયેલી આઇપીએલ મેચો દરમિયાન મેટ્રો સ્ટેશન અને સ્ટેડિયમમાં ચોરીઓ આચરી હતી. અમદાવાદના ગીતા મંદિર, કાલુપુર રેલવે સ્ટેશન તેમજ મહેસાણા અને આણંદ જેવા વિસ્તારોમાં પણ તેમણે અનેક ચોરીઓ કરી હતી. માત્ર મોબાઈલ ચોરી જ નહીં, પરંતુ જા ફોન અનલોક હોય તો આરોપીઓ ગૂગલ પે દ્વારા નાણાંની હેરફેર પણ કરતા હતા. ચોરેલા મોબાઈલ તેઓ ઝારખંડ અને મુંબઈમાં સસ્તા ભાવે વેચી દેતા અથવા લોક ન ખુલે તેવા ફોનના પાર્ટ્સ અલગ કરીને વેચાણ કરતા હતા.
આ મામલે ડીસીપી ઝોન-૩ રૂપલ સોલંકીએ જણાવ્યું હતું કે, આ ગેંગ ખૂબ જ સુયોજિત રીતે કામ કરતી હતી અને વિવિધ રાજ્યોમાં ફરીને ભીડભાડવાળા વિસ્તારોને નિશાન બનાવતી હતી. હાલ વધુ આરોપીઓની શોધખોળ ચાલુ છે, અને ચોરાયેલા બાકીના મોબાઈલના મૂળ માલિકોને શોધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે અને આ ગેંગ સાથે જાડાયેલા અન્ય સભ્યો સુધી પહોંચવા માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.







































