સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ રાજ્યોમાં ૮૩ લોકોના ૭૬ સ્થાનો પર સર્ચ શરૂ કર્યું જેઓ કથિત રીતે ઇન્ટરનેટ પર બાળ જાતીય શોષણ સામગ્રીના પ્રસારમાં સામેલ હતા. અધિકારીઓએ જણાવ્યું કે કેન્દ્રીય એજન્સીએ ૧૪ નવેમ્બરના રોજ ઓનલાઈન બાળ જાતીય શોષણ અને ઉત્પીડનમાં કથિત રીતે સામેલ ૮૩ લોકો વિરુદ્ધ ૨૩ અલગ-અલગ કેસ નોંધ્યા હતા.આ કેસ મામલે ઓડિશામાં સીબીઆઇ ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો.
સીબીઆઈના પ્રવક્તા આરસી જાશીએ જણાવ્યું કે આંધ્ર પ્રદેશ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર, ઓડિશા, તમિલનાડુ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે આ દરોડા ઓપરેશન સંકલિત રીતે ચલાવવામાં આવી રહ્યું છે.
ઓડિશાના ઢેંકનાલમાં સોશિયલ મીડિયા પર બાળ જાતીય શોષણ સંબંધિત સામગ્રી પોસ્ટ કરવાના આરોપી મિથુન નાઈકના ઘરે દરોડો પાડવા આવેલી સીબીઆઇ ટીમના ચાર સભ્યો પર સ્થાનિકોએ હુમલો કર્યો હતો.
સૂત્રોએ જણાવ્યું કે સીબીઆઈની ટીમ આરોપી મિથુન નાઈકની શોધમાં ઓડિશામાં ઢેકનાલની જ્યુબિલી કોલોની પહોંચી. આરોપીના પરિવારજનોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો
અને પછી હુમલો કર્યો. ગ્રામજનોએ કહ્યું કે સીબીઆઈની ટીમ સ્થાનિક પોલીસની જાણ વગર અહીં આવી હતી અને તેણે પોતાની ઓળખ પણ જાહેર કરી ન હતી. માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સીબીઆઈ ટીમને સ્થાનિક લોકોથી બચાવી હતી. પોલીસે કેટલાક ગ્રામજનોને પણ કસ્ટડીમાં લીધા છે.