મોહસીન સાંજે ઘરે આવ્યો ત્યારે દરરોજ શોરબકોરથી ગુંજી ઉઠતો મહોલ્લો અત્યારે શાંત હતો.
હંમેશા ખુલ્લી રહેતી ગુરકીતની લસ્સીની દુકાન બંધ જોઈને એને વિચાર આવ્યો.“રાતે ૧૧ પછી જ ઘરે જતો આ ગુરકીત આજ વહેલો કેમ નીકળી ગયો હશે? લસ્સીનો સ્ટોક પુરો થઈ ગયો હશે? કે પછી……” આગળ વિચારતા એનું મન બુઠું થઈ ગયું.
ગુરૂદ્વારામાં દરરોજ દેખાતી રોશની પણ ગાયબ‌ હતી. ગુરુવાણીનો અવાજ પણ કાને પડતો નહોતો. “અમરનાથ જ નહીં હોય આજે.”  એને વિચાર્યું.
સહેજ આગળ વધ્યો ત્યાં મોહીન્દરનું ઘર આવ્યું. “સત શ્રી અકાલ” સાંભળવા તેને ઘર તરફ નજર કરી પણ દરવાજે લાગેલ તાળું એની સામે ખીખયાટા કરતું હતું.
મોહસીન ઝડપભેર ડગલાં ભરતો ઘર તરફ ભાગવા લાગ્યો. એ પછી તો કીરપાલ, અમરસિંહ, સુરેન્દર કે બીજા એવા  ઘણાનાં ઘર હતાં જેની તરફ એ નજર ન નાખી શક્યો. નજર નાખીને પણ શું મળવાનું હતું?
ઘરે આવીને મોહસીન વાળું કરીને શેરીમાં મિત્રો સાથે બેસવા જેવો ઘરની બહાર નીકળવા ગયો ત્યાં પત્નિએ યાદ કરાવ્યું, “કંઈ બાજું જાવ છો?”
“શેરીમાં મિત્રો સાથે……” મોહસીનથી બોલાઈ ગયું પણ એના પગ ત્યાં ને ત્યાં અટકી ગયા.
પત્નિ બોલી, “એ જ મિત્રો ને? જેનો સમાન તમે જ ટ્રેનમાં ચડાવવા ગયા હતા. જેને તમે જ કે’તા હતા કે, ગમે તેમ થઈ જશે પણ હું તમને અહીંથી નહીં જવા દઉં. આ તમારું જ ઘર છે. અહીંથી તમને કોઈ નહીં કાઢી શકે.”
મોહસીન પત્નિના બોલાયેલા શબ્દોથી આરપાર વીંધાય ગયો. કશું જ બોલ્યા વગર એ ઘર બહાર નીકળીને જ્યાં પોતે દરરોજ રાતે મિત્રો કીરપાલ, અમરસિંહ, સુરેન્દર અને ગુરકીત સાથે બેસતો તે ઓટલા પાસે ગયો. ઓટલો સૂમસામ ભાંસતો હતો. એના કાને દૂર દૂરથી પાકિસ્તાનથી શીખ અને હિન્દુઓને ભારત લઈ જતી અને ભારતથી મુસ્લિમોને પાકિસ્તાન લઈ આવતી ટ્રેનોનાં અવાજ પડતા હતા.
સૂમસામ ભાંસતો ઓટલો અંદરથી ઘણું બધું બોલતો હતો. પ્રશ્નાર્થ નજરે ઓટલો મોહસીન તરફ તાકી રહ્યો હતો.