ઓઘડ અને જીવીને ગામમાં સૌ કોઈ જાણે. અબાલ વૃદ્ધ સૌના મુખે ઓઘડ અને જીવી… જીવી… ગામમાં તો ઠીક પણ આસપાસના ગામોમાં પણ એમની વાતો થાય. એમના કામની કદર થાય. એમના નામની સારી નામના લોકોમાં ચર્ચાય. એક એક કામ માટે લોકો એમની રાય લેવા આવે. સૌને મનમાં એક પ્રકારની શાંતિ કે આવા માણસો મળવા મુશ્કેલ! કોણ જાણે ઈશ્વરે આ માણસને કેવા સર્જ્યા કે… કોઈનું દુઃખ ભાળ્યું નથી ને દોડ્યા નથી. સૌને સાંત્વના આપે એટલું જ નહીં, ટેકામાં પણ ઊભા રહે. નાની મોટી વાતે મદદે દોડી જાય. અરે! એમને કશું કહેવું જ ન પડે ત્યાં… લોકો એમની રહેણીકરણીથી ખૂબ પ્રભાવિત હતા.
ત્યાં ગામમાં એવું બન્યું કે પરદેશમાં રહેતું એક કપલ ગામમાં આવ્યું. ગામમાં કોઈ આગેવાનને મળવાની વાત જણાવી. ગામમાં સૌના મોઢે એક જ વાત, મૂખી અને સરપંચ પણ બોલ્યા કે, છપ્પન ઈંચ વાળા ઓઘડ અને જીવી અમારી સાથે હોય તો જ અમે નિર્ણય લઈ શકીએ ને બન્યું પણ એમ જ, એ પરદેશી કપલ ત્યાં સદાય વસી ગયું. એમને ગામમાં કંઈક સારપ વર્તાઈ. કંઈક કરવા માટે એ તત્પર હતાં. પણ શું કરવું તે સમજાતું ન હતું. તેઓ ઓઘડની સલાહ લેવા ગયા. ઓઘડ તો ઓઘડ… ને જીવી પણ કંઈ ઓછી બેજવાબદાર હતી? એ પણ હતી ખૂબ કોઠા ડાહી. ગામની આતુરતા વચ્ચે બેઠક મંડાઈ. પરદેશથી આવેલ કપલ આર્થિક રીતે સંપન્ન તો હતું જ, એ દંપતીને ગામમાં એવો કંઈક ધંધો વિકસાવવો હતો કે… ગામની પ્રજા નવરી બેસી ન રહે. ઓટલા ન તોડે, ગલ્લા ઉપર આંટાફેરા ન કરે, ને કંઈક સારી કમાણી કરે… અને દેશ માટે કંઈક કરી છૂટે. ઓઘડે આ માટે અનેકવાર બીડુ ઝડપ્યું હતું પરંતુ નાણાના અભાવે તે પાછો પડતો હતો. આજે જ્યારે આવો મોકો મળે ત્યારે કંઈ કામ આગળ વિચારવું જ જોઈએ. ગામ લોકોને ભેગા કરીને ઓઘડે કહ્યું, ‘ગામમાં સફાઈ થાય તે ઉપરાંત લોકો કંઈક આજીવિકા મેળવે અને લોકોની તંદુરસ્તી સારી રહે તે માટે અમે આવતીકાલથી એક બિઝનેસ ચાલુ કરવા જઈ રહ્યા છીએ.’
‘અરે આવતીકાલથી શા માટે? આજથી જ કેમ નહીં?’ જીવી બોલી
આ ઉનાળો ને કેરીની સિઝન. ઘેર ઘેર કેરી ખાય ને લોકો ગોટલાઓને ફેંકી દે છે. અરે! આ જરૂરી ઔષધિને તે પાછી કચરામાં?’
જીવીને તો આમ ઔષધિ વેડફાય તે જરાય ગમતું ન હતું. ઓઘડે આગળ કહ્યું, ‘આપણે આ જાણકારી લોકોને આપવી જોઈએ…
તમે નહીં જાણતા હો પણ ગોટલામાંથી નીકળતી ગોટલીના ચમત્કારો વિશે ભારત દેશના જ લોકો સાવ અજાણ! મારે આ માટે બીડું ઝડપવું છે. ગોટલામાંથી નીકળતી ગોટલીઓના ચમત્કાર સહુને કહેવા હતા. તો માનવ સ્વાસ્થ્ય માટે એ કેટલી બધી ઉપકારક છે એવી જાણકારી ગામ લોકોને પીરસવી હતી. અરે! કાજુ બદામ કરતાં પણ વધારે મૂલ્યવાન છે આ ગોટલીઓ તો! આપણે સૌ સાથે મળી ગોટલા ભેગા કરીએ.’
‘પણ ઓઘડજી, આ કામમાં મદદરૂપ કોણ થશે? આવા કચરામાંથી ગોટલા ફેંદવા કોણ જશે?’ ચિંતાતુર વદને ચમનકાકા બોલ્યા.
‘અરે! તમે ચિંતા શું કરવા કરો છો? હું છું ને જીવી છે. મારા બે બાળકો પણ અમારી સાથે છે. અમે ચાર જણાં આ કામની શરૂઆત કરીશું. પછી પછી… લોકોને કહીશું કે, તમારા નાહક ફેંકી દેવાના કચરા સ્વરૂપે આ ગોટલાઓ અમને આપો. અમે એ ગોટલામાંથી ગોટલીઓનો મુખવાસ કરીશું અને એક કિલો ગોટલા દીઠ ૨૦૦ ગ્રામ ગોટલીનો મુખવાસ મફતમાં આપીશું. બસ, પછી તો ભાઈ લોકોની લાઈન લાગી ગઈ. લોકો કેરીના ગોટલા આપવા અને ગોટલીઓનો મુખવાસ લેવા માટે આવવા માંડ્યાં. ઓઘડ અને જીવી એના ફાયદા બતાવવા માંડ્યાં. ઓઘડ સહુને સમજાવતાં કહેતો કહેતો કે, ભારતમાં રહેતા ૮૦ ટકા લોકો શાકાહારી છે. તેમના શરીરમાં વિટામીન બી-ટ્વેલની ઉણપ સતત વર્તાય છે. તે ઉણપ દૂર કેવી રીતે કરી શકાય? તે માટે આપણી પાસે સસ્તો છતાં રામબાણ ઈલાજ હાથવગો છે. તે સામાન્ય રીતે સાવ કચરા જેવા ગણાતા ગોટલાની અંદરથી નીકળતી આ ગોટલીમાંથી મળે છે. અરે! મુખવાસ ન ગમે તો પાવડર બનાવવાનો અને પાવડર પણ લેવાનો.’ ઓઘડની હોંશિયારી આગળ સહુ વારી ગયાં.
‘વળી, આર્થિક રીતે પગભર થવા માટે આ બિઝનેસ ખોટો શું છે?’
જીવી બોલી, ‘ આ તો ખુબ સરસ વાત છે. અને સૌએ આ કરવા જેવું કામ પણ છે.’
પછી તો લોકો આ કામમાં જોડાતા ગયા. એક- બે … ચાર, એમ કરતાં કરતાં લગભગ ૫૦ જેટલા માણસો ઓઘડ અને જીવીના કામમાં જોડાઈ ગયાં. આસપાસના ગામમાંથી પણ ગોટલાઓ આવવા માંડ્યાં. કેરીના ગોટલાઓના ઢગલા થવા માંડ્યા. ગોટલાઓને તડકામાં તપાવીને માણસો તેમાંથી ગોટલી કાઢે અને એ ગોટલીઓને જીવી ચોખ્ખા પાણીમાં ધોઈને પછી કુકરમાં બાફે અને એ ગોટલીઓના એક બાજુ ટુકડા થાય અને એ પણ તડકે સુકાય. વાહ ભાઈ વાહ …(ક્રમશઃ)