હજુ જીવી અને ઓઘડ રાતનું વાળું કરીને પરવારીને ઊભા થયા ત્યાં ડેલીમાં પરબત તથા રમાભાભીએ પ્રવેશ કર્યો.
“અરે આવ પરબત, આવો ભાભી આજે સજોડે કઇ અમારે ત્યાં. ઊધડી ગયા કે શું?”
“અરે ના ભાઈ એવું કાંઈ નથી. આ તો જરા તારુ ને ભાભી જોગ કામ પડ્‌યું તેથી આવવું પડ્‌યું. ભાઈ, હજુ ખેતરમાં કપાસ હજુ ઊભો છે. તે વહેંચાસે પછી તારા ફદિયા આપી શકીશ. એટલે….
” અરે કેવા રૂપિયા ? ” “શું ઓઘડભાઈ તમે મંજુબેનના લગ્ન વખતે તમે અમારી પડખે હતા. તો અવસર ઉકલી ગયો. નહીંતર. ”
” અરે ભાભી એ રૂપિયા તો હું ભૂલી ગયો. ને મેં પરબતને કીધું હતું, તે મને યાદ છે. તેની પાસે જ્યારે સગવડ થાય ત્યારે આપે. ન આપે તો મંજુ મારી ય બેન જ છે ને.”
“વાત તારી સાચી પણ હવે એક નવી મુશ્કેલી આવી ને ઊભી થઈ છે. “જરા લાચારી ભર્યા અવાજમાં પરબત બોલ્યો.
” શું છે? મને કે.. , હું હજુ બેઠો છું” ઓઘડે પરબતના ખભા પર હાથ મૂકીને કહ્યું. તેણે જોયું તો પરબતની આંખો છલકાઈ ગઈ.
” ભાભી જરાય મુંઝાયા વગર કહો. અમો હજુ બેઠા છીએ” જીવીએ પાણીનો ગ્લાસ પરબતને આપી રમાભાભીને કહ્યું.
” વાત જાણે એમ છે કે, આ મંજુબેનના સાસરીયાવાળા આજે ત્રણ મહિના થયા છતાં તેડવા નથી આવ્યા. તો કાલે મંજુબેન સાથે વાત કરી તો તેના સાસુ દહેજની માંગણી કરે છે તેવું કારણ કીધું. હવે તમે જ કહો આ કેમ થાય? ”
” બસ અટલી જ વાત…!” ઓઘડે પરબતના ખભા પર હાથ મૂકીને કહ્યું. પરબત બોલ્યો
” તને આ નાની વાત લાગે છે? હજુ લગ્નનો વળ ઉતર્યો નથી, ત્યાં આ નવી કઠણાઈ.”
” અરે પણ એમાં મુઝાઈ શું ગયો? જો મને બે વરસ પહેલાં જે સાહેબે ઇનામ આપેલ, એ આ દહેજ વિરોધી શાખાની ઓફિસમાં મોટા ઓફિસર છે. આપણે તેના કાને આ વાત નાખી જોઈએ.” હજુ ઓઘડ વધુ કાંઈ બોલે તે પહેલાં જ પરબતે તેને અટકાવીને કહ્યું,
” પછી માનો કે એ મંજુને તેડી જ જાય તો? પછી જમાઇ માણસને રાજી રાખવા પડે. આમે દેવો જરા મારાથી અતડો અતડો રહે છે. એ જ્યારે મંજુને મૂકવા આવેલા ત્યારે જ મારી સાથે સરખી વાત પણ કરી ન હતી”
“તું ખોટી ચિંતા ન કર અને જો દેવાભાઇ ને એની મા મંજુને તેડવા ન આવે તો આપણે તેની માથે ખાધાખોરાકીનો કેસ કરી શકાય. ને તેમ છતાં મંજુના સાસરીયાવાળા પાસેથી આપણે લખાણ લખી લેશું કે, ભવિષ્યમાં એ મંજુને આ વિશે હેરાન ન કરે કે દબાણ ન કરે બસ. હું વાઘેલા સાહેબને સવારે જ વિગતવાર માહિતી આપી દઇશ. આપણી બેનનો ભવિષ્યનો સવાલ છે. હવે તું ને ભાભી નિરાંતે ઘરે જઈને સૂઈ જાવ બસ.”
“પણ ઓઘડભાઈ જો જો કાંઈ કાચું ન કપાય હો.” રમા બોલી.
” બસ ને ભાભી, અરે મંજુ મારી ય બેન છે. તેને હું દુઃખી ની થવા દઉ. આ ઓઘડનું તમને વચન છે બસ”.
સવારે ઓઘડે વાઘેલા સાહેબ સાથે ફોન પર વાતચીત કરી.
” ઓઘડભાઈ તમે ચિંતા ન કરો. તમારા જિલ્લાના અધિકારી છે ને સોલંકીભાઈ મારા ગામના જ છે, મારા ખાસ મિત્ર છે. તમે કહ્યું તેમ તમારા બહેનના સાસરીયાવાળા પાસેથી લખાણ લઈને બે દિવસમાં જ મંજુબેનને હસતાં મોઢે તેડવા આવશે. બસ પછી કાંઈ.”
“સાહેબ આપનો ખુબ ખુબ આભાર.”
“અરે અમે બેઠા છીએ જ આ માટે. હવે તમે તમારી બહેનને વળાવવાની તૈયારી કરો. ”
બે દિવસ બાદ બન્યું એમ જ. સોલંકી સાહેબે ઓઘડને ઓફિસમાં બોલાવ્યો. ઓઘડ પરબતને પણ સાથે લઈ ગયો. ઓફિસમાં જઈને જોયુ તો મંજુનો ઘરવાળો દેવો તથા તેની બા મણીબેન બન્ને હતા. મણીબેન પરબતને જોઇને રોવા માંડ્‌યા. દેવો તો સીધો ઓઘડના ખભા પર માથું મૂકીને કરગરવા લાગ્યો. “ઓઘડભાઈ મારી ભૂલ થઈ ગઈ. હવે આવું નહિ કરુ. હું મારી ભૂલ સ્વીકારી પરબતભાઇ બન્ને પાસે માફી માંગી રહ્યો છું. આ સાહેબ મને દહેજ માગણીના ગુનામાં જેલ ભેગો કરવાની વાત કરે છે. હું તમે કો એમ કરવા તૈયાર છું. મંજુને તેડવા પણ તૈયાર છું. જો મારી નઇ તો મારી ગલઢી મા ની દયા ખાવ.” તેમ કહી દેવો ઓઘડના ખભા પર માથુ મૂકીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. પછી ઓઘડે તેને બાથમાં લઈ બાજુના બાંકડા પર બેસવાનું કહ્યું. તે પછી સોલંકી સાહેબને લખાણ લખી લેવાની વાત કરી. તરત જ સ્ટેમ્પ પેપર પર લખાણ લીધું કે, આજે નહીં ને ભવિષ્યમાં ક્યારેય દહેજની માંગણી કરશે નહીં. બીજુ મંજુને કોઈપણ જાતની ધાક-ધમકી કે કોઈ પણ જાતનું દુઃખ આપવામાં આવશે નહિ. બન્ને મા-દીકરાના અંગૂઠાના નિશાન લીધા. લખાણવાળો કાગળ પરબતને હવાલે કરવામાં આવ્યો. પછી પરબત પણ સોલંકી સાહેબનો આભાર માનીને બધા ઓફિસમાંથી બહાર નીકળી ગયા. ઓઘડે છેવટે મૌન તોડતા પુછ્યું, “બોલો કુમાર ક્યારે આવો છો મારી બેનને તેડવા”
“તમે ને પરબતભાઇ કો એટલે તરત જ બોલો” દેવાને બદલે તેની મા મણીબેન બોલી ઉઠયા, “ભાઈ..! દીકરી તો દરેક ઘરમાં હોય છે. તમારી દીકરી એ આજથી મારી દીકરી.હવે કાંઈ..!??
ઓઘડે કહ્યું, “હા એ બરાબર છે. દરેક સાસુ પોતાની વહુને દીકરી માનવા લાગે તો હમણાં જ સ્વર્ગ ધરતી ઉપર ઉતરી આવે.”
ઘરે જઈને પરબતે અથથી ઈતી કથની કીધી. જીવી રાજીના રેડ થઈ બોલી ઉઠી.
“વાહ રે મારા છપ્પન ઈંચની છાતી વાળા ધણી. તમે બોલીને પાળી પણ દીધું.
વાર્તા મૂળ સ્વરૂપેઃ- ફિરોઝ હસ્નાણી. અમરેલી.