દરિયાઈ સુરક્ષા અને ગેરકાયદેસર માછીમારી રોકવા માટે એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પૂર્વ બાતમીને આધારે એસઓજીએ ઓખામઢીના દરિયાઈ વિસ્તારમાં નિયમોનું ઉલ્લંઘન કરી ‘લાઈન ફિશિંગ’ કરતી કુલ ૫૫ માછીમારી બોટ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે આ કાર્યવાહી બાદ અન્ય માછીમારોમાં ફફળાટ ફેલાયો છે.
વિગતો મુજબ, એસઓજીને ખાનગી બાતમી મળી હતી કે, ઓખામઢીના દરિયામાં કેટલીક બોટો ગ્રુપ બનાવીને લાઈન ફિશિંગ કરી રહી છે. આ બાતમીના આધારે પોલીસ ટીમ ખાનગી બોટ ભાડે કરી દરિયામાં ૮ નોટિકલ માઈલ સુધી અંદર પહોંચી હતી. ત્યાં તપાસ કરતા જાણવા મળ્યું કે, બોટ માલિકોની સૂચનાથી ટંડેલો વધુ માછલીઓ પકડવાની લાલચે જાખમી રીતે લાઈન ફિશિંગ કરી રહ્યા હતા.
તપાસમાં ૧૩-૧૩ બોટોના ૩ જુદા જુદા ગ્રુપ તેમજ અન્ય ૧૫ બોટોનું એક ગ્રુપ બનાવી એમ કુલ ૫૫ બોટો એકબીજા સાથે જાડાઈને સમુદ્રી જીવસૃષ્ટિને નુકસાન પહોંચાડે તે રીતે લાઈન ફિશિંગ કરી રહી હતી. આ માછીમારોએ ફિશરીઝ એક્ટ નિયમનો ભંગ કર્યો છે. વધુ નફો મેળવવાની લાલચમાં સમુદ્રી જીવસૃષ્ટિ અને નિયમોને નેવે મૂકનારા તમામ બોટ માલિકો અને ટંડેલો સામે હવે કાયદાનો સકંજા કસાયો છે.
દેવભૂમિ દ્વારકા એસઓજીએ પૂર્વ બાતમીને આધારે ઓખામઢીના દરિયામાં ૮ નોટિકલ માઈલ દૂર આ કાર્યવાહી કરી છે.એસઓજી પોલીસે મધદરિયે રેઇડ પાડી ‘લાઈન ફિશિંગ’ કરતી કુલ ૫૫ માછીમારી બોટ વિરુદ્ધ કાર્યવાહી કરી છે, ત્યારે પોલીસની આ કાર્યવાહીથી આ ૫૫ માછીમારીની જેમ આવી જ રીતે ગેરકાયદે ફિશિંગ કરતા અન્ય માછીમારોમાં ફફળાટ ફેલાયો છે.