અમરેલી સ્થિત ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં તા.૧૦ને ગુરુવાર, અષાઢ સુદ પૂનમના પાવન દિવસે, ગુરુપૂર્ણિમા અને ગુરુપૂજનનો કાર્યક્રમ અતિ ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. સંસ્થાના માર્ગદર્શક અને વંદનીય ગુરુવર્ય એચ.એલ. પટેલની નિશ્રામાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. મહાભારત અને ચાર વેદના રચયિતા ભગવાન વેદવ્યાસના જન્મ દિવસ નિમિત્તે અષાઢ સુદ પૂનમને ગુરુપૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસથી જ ગુરુપૂજનની પરંપરા શરૂ થઈ છે. માનવજીવનમાં ગુરુનું સ્થાન અત્યંત મહત્વનું છે. જન્મદાત્રી માતા પ્રથમ ગુરુ છે, જે જન્મ આપે છે અને સંસ્કારનું સિંચન કરે છે. બીજા ગુરુ શિક્ષક છે, જે કુંભાર માટલાને ઘડે તેમ મનુષ્યને ઘડીને શિક્ષા આપે છે. ત્રીજા ગુરુ આધ્યાત્મિક ગુરુ છે, જે મોક્ષનો માર્ગ બતાવે છે. આ શુભ સંકલ્પ સાથે ગુરુપૂજનની શરૂઆત થઈ. સર્વપ્રથમ, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના સંકલ્પ દ્રષ્ટા મયુરભાઈ ગજેરા, શિક્ષણ વિભાગના વડા નિલેશભાઈ ગજેરા અને કેમ્પસના વડા પ્રહલાદભાઈ વામજા દ્વારા ગુરુવર્ય એચ.એલ. પટેલના ભાલમાં કંકુ તિલક સાથે અક્ષત લગાવી, શાલ ઓઢાડી, તેમના ચરણોમાં પુષ્પ અર્પણ કરી રૂડા આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા.ત્યારબાદ, ઓક્સફર્ડ સ્કૂલ આૅફ સાયન્સના તમામ વિભાગોના HODs અને શિક્ષકો દ્વારા એચ.એલ. પટેલનું ગુરુપૂજન કરવામાં આવ્યું. તે પછી, શાળાના પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ, ઉ.મા. કોમર્સ વિભાગ અને ઉ.મા. સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓએ પોતપોતાના વિભાગના શિક્ષકોનું પુષ્પ અર્પણ કરી ગુરુપૂજન કર્યું અને આશીર્વાદ મેળવ્યા હતા.આ પ્રસંગે, તમામ વિભાગના વિદ્યાર્થીઓએ ગુરુપૂર્ણિમા વિષયે પોતાના હૃદયના ભાવો વ્યક્ત કરતા સુંદર વક્તવ્યો આપ્યા. ત્યાર બાદ, જે તે વિભાગના શિક્ષકોએ ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે વિદ્યાર્થીઓને જીવનમાં ગુરુ (શિક્ષક)નું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમના અંતે, ગુરુવર્ય એચ.એલ. પટેલ દ્વારા તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓને રૂડા આશીર્વાદ આપી ગુરુપૂર્ણિમાના કાર્યક્રમનું સમાપન કર્યું હતું.