બોલિવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન લાંબા સમય બાદ ફિલ્મી પડદે કમબેક કરવા માટે તૈયાર છે. ઐશ્વર્યા મણિરત્નમની ફિલ્મ પોન્નીયન સેલ્વન-૧ દ્વારા કમબેક કરવાની છે.
આ ઉપરાંત પ્રાપ્ત જોણકારી અનુસાર ઐશ્વર્યા પાસે રજનીકાંતની અપકમિંગ ફિલ્મ થલાઈવર ૧૬૯ પણ છે. ઐશ્વર્યા રાયે જણાવ્યું કે, મણિરત્નમની ફિલ્મનું શૂટિંગ તેણે પૂરું કરી દીધું છે.
પોન્નીયન સેલ્વન-૧ના શિડ્યુલ અંગે અપડેટ આપતાં ઐશ્વર્યાએ જણાવ્યું, “મણિ સરે ફિલ્મના બંને ભાગનું શૂટિંગ પૂરું કરી દીધું છે. તેમની સાથે હંમેશની જેમ આ વખતે પણ કામ કરીને મજો આવી.” ઐશ્વર્યાએ મણિરત્નમ સાથે ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે. ૧૯૯૭ની ‘ઈરુવર’, ૨૦૦૭ની ‘ગુરુ’ અને ૨૦૧૦માં આવેલી ‘રાવણ’ જેવી મણિરત્નમની ફિલ્મોમાં ઐશ્વર્યાએ કામ કર્યું છે.
ઐશ્વર્યા અને મણિરત્નમે સાથે કામ કર્યું છે ત્યારે ફેન્સ ફરી એકવાર ઐશ્વર્યા અને અભિષેકને પણ પડદા પર સાથે જોવા માગે છે. ઐશ્વર્યા અને અભિષેકે ‘ગુરુ’, ‘રાવણ’, ‘ઢાઈ અક્ષર પ્રેમ કે’, ‘સરકાર રાજ’, ‘ધૂમ ૨’ વગેરે ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. અભિષેક સાથે ફરી કામ કરવા અંગે પૂછવામાં આવતાં ઐશ્વર્યાએ કહ્યું, “આ થવું જ જોઈએ.” ઐશ્વર્યાને આશા છે કે અભિષેક સાથે ફરી સ્ક્રીન શેર કરવાનું તેનું સપનું પૂરું થાય.
ઐશ્વર્યા ફિલ્મોમાં કમબેક કરી રહી છે પરંતુ તેની પ્રાથમિકતા હજી પણ પરિવાર છે. તેણે આગળ કહ્યું, “હજી પણ મારી પ્રાથમિકતા તો મારો પરિવાર અને દીકરી છે. મેં હિંમત કરીને મણિ સરની ફિલ્મ પૂરી કરી પરંતુ મારું ધ્યાન સંપૂર્ણપણે પરિવાર અને આરાધ્યા પર જ કેંદ્રિત છે.”
થોડા સમય પહેલા જ એક ઈન્ટરવ્યૂમાં અભિષેકે પત્ની ઐશ્વર્યાને સારી એક્ટ્રેસ ગણાવતાં તેની સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું, “યોગ્ય સમયે સારી સ્ક્રીપ્ટ મળશે તો ચોક્કસ કરીશું. આ ઈચ્છા પૂરી ના થાય ત્યાં સુધી
અમે સાથે કામ નહીં કરીએ. જોકે, અમે બંને એકબીજો સાથે ફરી કામ કરવા ઉત્સુક છીએ.”
ઐશ્વર્યાની વાત કરીએ તો, તે છેલ્લે ૨૦૧૮માં આવેલી ફિલ્મ ‘ફન્ને ખાં’માં રાજકુમાર રાવ અને અનિલ કપૂર સાથે જોવા મળી હતી. તો અભિષેક બચ્ચન છેલ્લે ફિલ્મ ‘દસવીં’માં દેખાયો હતો.