બોલિવૂડનો ચમક અને ગ્લેમર ઘણા કલાકારોને આકર્ષે છે, પરંતુ કેટલાક સ્ટાર્સ એવા છે જે આ ચમક અને ગ્લેમરને પાછળ છોડીને આધ્યાત્મિકતાને અપનાવે છે. આજે અમે તમને એક એવી અભિનેત્રીની વાર્તા જણાવીશું, જેણે પોતાની મરજીથી ગ્લેમરસ જીવનને અલવિદા કહ્યું એટલું જ નહીં, પણ ફિલ્મી દુનિયાથી પણ સંપૂર્ણપણે દૂર થઈ ગઈ. તેમણે એવો માર્ગ પસંદ કર્યો જેની કદાચ સામાન્ય લોકો કલ્પના પણ ન કરી શકે – ધર્મ અને આધ્યાત્મિક સાધનાનો માર્ગ. હવે આ અભિનેત્રી સાધુ તરીકે જીવી રહી છે. એક સમયે ફિલ્મ જગતમાં જાણીતું નામ રહેલી આ અભિનેત્રી શોબિઝથી દૂર એક એવું જીવન જીવી રહી છે, જે જીવવું સરળ નથી.
અમે વાત કરી રહ્યા છીએ બરખા મદન વિશે, એક મોડેલ, બ્યુટી ક્વીન અને અભિનેત્રી, જેમણે ગ્લેમરની દુનિયાને સંપૂર્ણપણે છોડીને બૌદ્ધ સાધુ બનવાનું નક્કી કર્યું. અભિનેત્રીએ પોતાનું નામ પણ બદલ્યું અને આજે તે ગ્યાલ્ટસેન સામટેન તરીકે ઓળખાય છે. બરખાએ ૧૯૯૪માં મિસ ઈન્ડીયા સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં સુષ્મિતા સેન અને ઐશ્વર્યા રાય જેવા પ્રખ્યાત ચહેરાઓ સામેલ હતા. સુષ્મિતા અને ઐશ્વર્યા વિજેતા અને ઉપવિજેતા રહ્યા, જ્યારે બરખાએ મિસ ટુરિઝમ ઈન્ડીયાનો ખિતાબ જીત્યો અને મલેશિયામાં આયોજિત મિસ ટુરિઝમ ઈન્ટરનેશનલ સ્પર્ધામાં ત્રીજું સ્થાન મેળવ્યું.
બરખાએ તેની અભિનય કારકિર્દીની શરૂઆત ૧૯૯૬માં ફિલ્મ ‘ખિલાડીયો કા ખિલાડી’થી કરી હતી, જેમાં અક્ષય કુમાર, રેખા અને રવિના ટંડન અભિનિત હતા. આ ફિલ્મ હિટ રહી હતી. આ પછી, ૨૦૦૩ માં, તેમને રામ ગોપાલ વર્માની અલૌકિક થ્રિલર ‘ભૂત’ માં એક મહત્વપૂર્ણ ભૂમિકા મળી, જેમાં તેમણે ‘મનજીત ખોસલા’ ની ભૂમિકા ભજવીને દર્શકો અને વિવેચકો બંનેને પ્રભાવિત કર્યા. આ દરમિયાન, તેણી અનેક ટીવી શોમાં પણ જાવા મળી, જેમ કે સામાજિક સિરિયલ ‘ન્યાય’ અને ઐતિહાસિક શો ‘૧૮૫૭ ક્રાંતિ’, જેમાં તેણીએ રાણી લક્ષ્મીબાઈની ભૂમિકા ભજવી હતી. બાદમાં તે ‘સાથ ફેરે – સલોની કા સફર’ જેવી લોકપ્રિય સિરિયલોનો ભાગ હતી, જે ૨૦૦૫ થી ૨૦૦૯ સુધી ચાલી હતી.
વર્ષ ૨૦૧૦ માં, બરખાએ નિર્માણ ક્ષેત્રમાં ઝંપલાવ્યું અને ‘ગોલ્ડન ગેટ એલએલસી’ નામની પોતાની કંપની શરૂ કરી, જેના હેઠળ તેણીએ ‘સોચ લો’ અને ‘સુરખાબ’ જેવી સ્વતંત્ર ફિલ્મોનું નિર્માણ અને અભિનય કર્યો. બરખા લાંબા સમયથી દલાઈ લામાની અનુયાયી છે. ૨૦૧૨ માં, તેમણે સત્તાવાર રીતે બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને ભીક્ષુત્વ અપનાવ્યું. છેલ્લા ૧૩ વર્ષથી, તે ગ્લેમર અને કેમેરાની દુનિયાથી દૂર હિમાચલ અને લદ્દાખ જેવા શાંત સ્થળોએ સંન્યાસી તરીકે રહી રહી છે. બરખા મદનનું આ નવું જીવન એવા થોડા લોકો માટે એક ઉદાહરણ છે જેઓ ગ્લેમરથી ઉપર જીવનની સાચી શાંતિ અને સંતોષને મહત્વ આપે છે.