માર્ક્સવાદી ફિલસૂફ ફ્રેડરિક એંગલ્સે લખ્યું છે કે નેપોલિયન ન હોત તો તેના સ્થાને બીજો કોઈ આવ્યો હોત, ઈતિહાસને જયારે જે માણસની જરૂર પડે છે ત્યારે ઈતિહાસને એ પ્રકારનો માણસ મળી રહે છે. શૌર્યપુરુષ, રાજપુરુષ, કાપુરુષ, સંત, દેશભક્ત, ગદ્દાર, નેતીહાસનો દલાલ, મીરઝાફર, અમીચંદ… જેવા પાત્રની જરૂર પડી ત્યારે ઇતિહાસમાં હિટલરથી લઈને ગાંધી સુધી એ પાત્ર પોતાની ભૂમિકા ભજવવા હાજર હતું. જયારે સૈકાઓ ગુલામીના ઝંઝાવાતો પ્રજા પર ફેંકાય છે, જયારે વિશ્વની ચોતરફથી ડઝનો બાહ્ય આક્રમણખોરો કોઈ એક સંસ્કૃતિને પોતાના ઘોડાઓની ખરીઓ નીચે કચડતા રહે છે, જયારે વિધ્વંશની એક લાંબી કાલરાત્રી દેશ સંસ્કૃતિ પર ઉતરી આવે છે. ત્યારે આખરે નવ દાયકાની એક શોર્યસંઘર્ષ ગાથા ૧૮૫૭થી મંડાય છે, હથેળીમાં જીવ લઈને સૈકડો વીર પુરુષો હિન્દુસ્તાનની ધરતી ફાડીને પેદા થાય છે. ય હોમનો લાલઘુમ લલકાર ગાજે છે. અપ્રતિમ પરાક્રમો કરી પોતાના પ્રાણોની આહૂતિ માં ભારતીને ચરણે ધરીને ભારતવર્ષને આઝાદી અપાવી જાય છે. હજારો વીર કે જેના ઘણાના નામ પણ આપણે નથી જાણતા એ હિન્દુસ્તાને પેદા કરેલા ઈતિહાસ પુરુષો હતા જેનું અવતારકૃત્ય એના માટે જ નિર્માયેલ હતું. આ ફિલસૂફીને હિસ્ટોરિકલ ડીટરમિનીઝ એટલે કે ઐતિહાસિક નિયતિવાદ કહે છે. દરેક વખતે દરેક ખાલી જગ્યા પુરાઈ જતી હોય છે. ઈતિહાસ કોઈ જગ્યા ખાલી નથી છોડતો. ખાલી ઈતિહાસ જેવો શબ્દ નથી. રાજકીય પરિપ્રેક્ષ્યમાં ઐતિહાસિક નિયતિવાદને મૂલવીએ તો એમ કહી શકાય કે જયારે જેવા રાજકીય વ્યક્તિત્વ, પક્ષ કે વિચારધારાની જરૂર પડે છે ત્યારે રાજકારણમાં એવા વ્યક્તિત્વ, પક્ષ કે વિચારધારા ઉદભવી રહે છે. એંગલ્સના મૂળ ખ્યાલ કરતા આ થોડો બૃહદ ખ્યાલ છે. રાજકીય દ્રષ્ટિકોણથી વાત કરીએ છીએ તો રાજકીય કે વ્યક્તિગત વિચારધારાનો ઉલ્લેખ કરવો જરૂરી બની જાય છે. જેમકે પ્રજાનું કે નેતાગીરીનું માનસિક વલણ જે પ્રદેશમાં સામ્યવાદ તરફ ઝુકેલું હતું એ પ્રદેશોમાં વર્ષો સુધી સામ્યવાદીઓ ઉદભવતા રહ્યા અને સત્તાસ્થાને બેસી રહ્યા. અન્ય પ્રદેશોની સરખામણીએ ઓછી પ્રગતિ થતી હોવા છતાં વર્ષો સુધી સમાજવાદનું ઘેન પ્રજાના માથામાંથી નહોતું ઉતર્યું. મૂડીવાદ ઉતરી આવે છે અને સામ્યવાદનો મૃત્યુઘંટ વાગવો શરુ થાય છે. પ્રદેશવાદમાં માનતી દક્ષિણ ભારતની પ્રજાએ વર્ષોથી પ્રાદેશિક પક્ષોને સતામાં રાખ્યા છે. કદાચ ભારતની આ જ બહુલતાએ રાષ્ટ્રવાદના વિકાસમાં અવરોધ ઉભો કર્યે રાખ્યો છે.

રાષ્ટ્રની પ્રગતિ માટે માત્ર રાજકીય સ્થિરતા આવશ્યક નથી. વિચારધારા પણ એટલી જ મહત્વની છે. બીજા વિશ્વયુદ્ધ બાદ આઝાદ થયેલા દેશોની પ્રગતિનો ગ્રાફ અને ઈતિહાસ તપાસતા એવો નિષ્કર્ષ ચોક્કસ કાઢી શકાય છે કે સ્થિર શાસન કરતા રાજકીય વિચારધારાએ વધુ ભાગ ભજવ્યો છે. આઝાદી બાદ તુરંતના ચાલીસ વર્ષો સુધી ભારતમાં લગભગ માત્ર એક પક્ષ છોડો, એક પરિવારનું જ શાસન રહ્યું હતું. ભારતને આઝાદ નહિ કરવાના પ્રખર હિમાયતી વિન્સ્ટન ચર્ચીલે ચર્ચામાં એક વખત કહેલું કે આ વૃદ્ધ પેઢીના ગુજર્યા બાદ આ દેશને ચલાવવાની ક્ષમતા અહીંના લોકોમાં નથી. આ દેશ તૂટી અને વિખેરાઈ જશે. કદાચ ચર્ચિલ જાણતા નહોતા કે દેશ પ્રજાની તાકાત અને દેશકાળના ઈતિહાસબોધના આધારે જીવી જાય છે. પ્રજા પોતાની જરૂરિયાતનો ઈતિહાસપુરુષ પેદા કરી જ લે છે. આ દાયકાઓ સુધી ચાલતો અન્ડરકરંટ છે. છાપાઓ અને સસ્તા રાજકીય મુખપત્રો વાંચીને દૈનિક રાજનીતિ કરતા અને કાર્યાલય પર બેસીને કાર્યકર્તાઓ ઘેરાયેલ નેતા આ નથી સમજી શકતા. ફર્સ્ટ ક્લાસ જનતા થર્ડ ક્લાસ નેતાની આગેવાનીમાં પણ પ્રગતિ કરી જાય છે. પ્રારબ્ધ જયારે નબળા રાજકીય માણસો ફેંકાય છે ત્યારે પ્રજાને મજબૂત બનાવી નાખે છે. પ્રજાની જરૂરિયાત, પ્રજાનું ટીમ્બર, પ્રજાનું કલેવર પેઢી દર પેઢી બદલાતું રહે છે. ઈતિહાસ બદલવા આવેલા પુરુષે આ પીછાણવું પડે છે. કોઈ એવો આવે છે જે દેશના દાયકાઓના ભવિષ્ય પર નજર દોડાવીને દેશનો પીંડ બાંધે છે. ધીમે ધીમે પ્રજાને મહાન બદલાવ માટે તૈયાર કરે છે.

ગુજરાતમાં મોહનલાલ દીક્ષિત નામના પ્રમુખ હિન્દુત્વને વરેલ જનસંઘની શરૂઆત કરે છે અને એ પક્ષ સમયાંતરે નવસર્જન પામીને ભારતીય જનતા પક્ષના નામે ગુજરાતકારણમાં દાયકાઓના શાસનમાં ફેલાઈ જાય છે. પાયાના કાર્યકર તરીકે શરૂઆત કરીને કેશુભાઈ પટેલ જનસંઘી ગોત્ર ધરાવતા ભાજપને ગુજરાતને સત્તાસ્થાન સુધી પહોંચાડવામાં પોતાના ભીષ્મ પરિશ્રમથી અતિમહત્વની ભૂમિકા ભજવે છે. આ જ કેશુભાઈ પટેલ ગુજરાત પરિવર્તન પાટીના નામે નવા રાજકીય પક્ષના મંડાણ કરીને એ જ પોતાના મૂળ ગોત્રને પડકારે છે, પણ પ્રજાની પસંદગીની ધરીને ફેરવી શકતા નથી. ઇતિહાસે જે સમયના કાલખંડમાં તમારું પ્રારબ્ધ અને પ્રયાસ સફળ થવાનો નિર્મેલ છે એ તમે ઉલટાવી શકતા નથી. તમે પોતે રચેલા ઈતિહાસને પછી તમે યુ ટર્ન નથી કરાવી શકતા.

એ જ ગુજરાતમાંથી અને એ જ શાસનના પરિપાક રૂપે આઝાદીના સાત દાયકા બાદ દેશના કેન્દ્રીય રાજકારણમાં નરેન્દ્ર મોદી યુગ શરુ થાય છે. એક નેતા કે જે દેશને હિન્દુત્વના તાંતણે બાંધીને વિશ્વની સૌથી મોટી લોકશાહીના શીર્ષ સ્થાને પહોચે છે. સદીઓ સુધી ક્ષીણ વિક્ષીણ થયેલી એક ધાર્મિક ભાવનાનુ દ્રઢીકરણ શરુ થાય છે. જેની આગેવાની હેઠળ ભારતનો અંતિમ સ્વતંત્રતા સંગ્રામ ચાલ્યો હતો, જે પક્ષે દેશ વતી આઝાદીની વાટાઘાટો અને રૂપરેખા નક્કી કરી હતી એ દેશનો સૌથી મોટો પક્ષ રાજકીય ક્ષિતિજ પરથી ભૂંસાઈ જવાની કગાર પર પહોચી જાય છે. કારણ સાફ છે, ઈતિહાસ જયારે લખશે ત્યારે નોંધ લેવાશે કે પોતાના આ સમય દરમિયાન એ પક્ષ કોઈ એવી આભા ન પ્રગટાવી શક્યો જેની ઈતિહાસને જરૂર હતી. તમારા ભાગે આપેલ કૃત્યને તમે અંજામ નથી આપી શકતા તો ઈતિહાસ બીજો માણસ પસંદ કરી લે છે અને તમને વર્તમાનમાંથી બહાર ફેંકી દે છે.

ક્વિક નોટ — જુના સમયમાં રોમમાં કેલિગુલા નામનો એક સમ્રાટ થઇ ગયો એણે પોતાના એક પ્રાંતમાં ગવર્નર તરીકે પોતાના ઘોડાને નીમ્યો હતો.