એ રાતે વૈશાખી જમી નહિ. તેને કોઈ જમવા માટે બોલાવવા કે મનાવવા આવ્યુ પણ નહિ. એ સાચુ હતુ કે, પોતે નીરવને પ્રેમ કર્યો હતો. નીરવને તે દિવસથી ચાહતી હતી. નીરવ પણ પોતાને હૃદયથી સાચુકલો પ્રેમ કરતો હતો. પરંતુ પ્રેમ કરવો કે પ્રેમ થવો એ ગુનો ગણાય તેની જાણ આજે જ વૈશાખીને થઈ. પોતે કોઈ અયોગ્ય પગલુ પણ ભર્યુ ન હતુ કે જેથી કરીને બાપની આબરૂ અને મા..ની મર્યાદાને જરાપણ ઠોકર લાગે. પરંતુ આ બધુ કહેવુ કોને? વૈશાખી ખરેખર ખૂબ મૂંઝાણી. ખૂબ રિબાણી શું થાય ? તેને તો કહેવુ હતું કે, નીરવ હોશિયાર સ્ટુડન્ટ છે. કોલેજમાં નંબર વન મેળવે છે. તે કંઈ જેમ-તેમ થોડો છે. તેના પ્પપા બેંકમાં મેનેજરની પદવી શોભાવે છે. એવા શાંત અને સૌમ્ય તેમ જ હીરો જેવા હેન્ડસમ નીરવને હું ચાહુ છું. પ્રેમ કરુ છુ. મારી ચાહત કંઈ જેવી તેવી નથી જ. અને…..નીરવ પણ મને એટલો જ દિલથી ચાહે છે. આમાં કુટુંબની આબરૂ કે માન-મોભાને લેવા દેવા શી? પપ્પા-મમ્મીને તે આ બાબતે ઘણું ઘણું કહેવાની પ્રબળ ઈચ્છા વૈશાખીને તો હતી જ પણ આવુ બોલી કેમ શકે? હવે કરવુ શું? એક અતિ વિકટ એવો મહાન પ્રશ્ન તેની સામે ઉભો થયો હતો. છતા તેણે મનોમન નક્કી કર્યુ કે પપ્પા નહિ તો કંઈ નહિ …પણ મમ્મી તો મને સમજી શકશે ને? આમ નીત-નવા વિચારોના વંટોળમાં હમણાં હમણાં ચિંતિત રહેતી વૈશાખી ઉંઘી ગઈ. કદાચ, કોઈ આશાનું કિરણ વહેલી સવારમાં પ્રકાશ લાવશે જ એવા વહેમમાં…. શાંતિ સાથે સાવ સ્વચ્છ વહેલી સવારે ખીલી ઉઠી. પંખીઓના મીઠા મધુરા ગીતના કર્ણપ્રિય લય સંભળાતા જ વૈશાખીએ તેની આંખો પટપટાવીને ખોલી નાખી, જાગી ગઈ. જાગતાવેત તેને થયું કે, આ આખી સૃષ્ટિમાં બધે જ સુખ સુખ છે, બધા સુખમાં આળોટે છે, ને હું પોતે એક માત્ર દુઃખી દુઃખી..! પથારીમાં જાગતી સૂતેલી વૈશાખી વળી વિચારમાં ફસાણી તેનું શરીર પૂરી ઉંઘ ન લઈ શકવાથી થોડું થોડું દુઃખતુ તો હતુ જ.
તો પણ તેણે પથારીનો ત્યાગ કર્યો. બ્રશ કરી તે બાથરૂમમાં ઘૂસી. નાહીને એ બહાર નીકળી ત્યારે થોડી સ્ફૂર્તિ આવી. અત્યારે પપ્પા ઘરમાં હતા નહિ આમ તો બધાના ઘરમાં પપ્પાનો ડર લગભગ સૌથી વધારે હોય છે.
તેમાં આ ઘર પણ બાકાત તો ન જ હતુ. વળી અત્યારે ધવલ પણ દેખાતો ન હતો, કદાચ તે ટયુશનમાં ગયો હતો. આથી તો વૈશાખી થોડી વધારે ખીલી ઉઠી હતી. આમ જુઓ તો ઘરના વાતાવરણમાં ખામોશી તો છવાયેલી હતી જ પરંતુ ઘરના મુખ્ય વડીલ હાજર ન હોવાથી ખામોશીમાં થોડી હળવાશ માલૂમ પડતી હતી.
મમ્મી તો રસોડામાં જ હોય તેવું લાગતું હતુ કારણ કે કયારેક વાસણ ખખડવાનો અવાજ આવતો હતો. વૈશાખીને મનમાં થયુ કે, જા મમ્મી અવાજ કરીને પોતાને બોલાવે તો કેવુ સારુ! પણ આજે તો મમ્મીએ સાથ ન આપ્યો. એટલે તો વૈશાખી અકળાઈ ઉઠી. તેને મનમાં થયુ કે, આ ઘરમાં પોતાનું જરાપણ માન રહ્યુ નથી. આમ વૈશાખી ચકળવકળ બધે જાતી રહી. એ સાથે જ આવી ઘાત લાગી આવતા તેનું હૃદય ભરાઈ આવ્યુ. ચહેરો થોડો ઉદાસ બન્યો. આંખોમાં ઝળઝળિયા પણ આવ્યા. એ રડી જ પડત પરંતુ ત્યાં જ મમ્મીના પગરવે તેને ગભરાવીને ચોંકાવી દીધી. સાથે જ મમ્મી તદ્દન પોતાની નજીક આવી પહોંચી હતી. એટલે તો વૈશાખીએ તેના આંસુ લૂછ્યા.‘‘કેમ..? કેમ તુ તો ખૂબ ખૂબ રડી લાગે છે?’’-આવતાવેત મમ્મી આટલુ બોલી પછી થોડું અટકી પછી વહાલથી વૈશાખીના ગાલ પર હાથ ફેરવતા ફરી કહ્યુઃ
‘‘ જે થયુ તે, હવે બધુ ભૂલી જા. હવે પછી આવી ભૂલ ન થાય તેનું તારે ખાસ ધ્યાન રાખવુ રહ્યુ. તારે તો તારુ આ ઘર અને મા-બાપની મર્યાદાનો તો ખ્યાલ રાખવો જાઈએ ને…?’’ ‘‘મમ્મી….., પણ મમ્મી….’’ વૈશાખીએ રડમસ થઈને પૂછયુઃ ‘‘મેં એવુ તે શું કર્યુ છે…મમ્મી ?’’ ત્યાં તો અધવચ્ચેથી વૈશાખીને બોલતી અટકાવી જાર..સાથે મમ્મી બોલીઃ ‘‘તો એ પત્ર, જેને તમે ભણેલા-ગણેલા છોકરા-છોકરીઓ પ્રેમપત્રના રુડા-રૂપાળા નામે ઓળખો છો, કહે એ પત્રનું શું? તારા હાથે જ લખાયેલ છે ને…? એ પત્ર તારા બાપ પાસે મોજુદ છે. તો એ પત્ર સાચો કે પછી..તુ સાચી?’’
‘‘પણ બા…હું તને કેમ સમજાવું? મે કોઈ જ અયોગ્ય બેહૂદુ વર્તન કે પછી કયાંક છિનાળું તો નથી જ કર્યુ….બા! મારો આદર્શ અને મારો વિચાર, નીરવનો આદર્શ અને તેનો વિચાર સાવ જ સરખા છે. હા, નીરવને હવે છ મહિના જ બાકી રહ્યા છે. ‘‘પછી તો તેને સારી જાબ મળશે એટલે તરત જ તે કાયદેસર મારી સાથે લગ્ન કરનાર છે….મમ્મી! અમે એકબીજાને વચન પણ દઈ ચૂકયા છીએ. હા..પ્રોમિસ, મમ્મી! ’’ આજીજીભર્યા સ્વરમાં વૈશાખી તેની મમ્મીને માંડ માંડ આટલુ સમજાવી શકી. એટલે મમ્મીએ તેનો જવાબ આપ્યોઃ ‘‘એ તેનો આદર્શ, તેનો વિચાર…એમાં શુ હોય? હું આવા તમારા અઘરા શબ્દ ન સમજુ. હું બીજુ કંઈ ન જાણુ દીકરી, તારા બાપને તું ઓળખે છે ને..? તને યાદ છે ને? આવુ બધુ કહેવા જઈશું તો તને ને મને ઉભા ઉભા જ સળગાવી દેશે..સમજી? દીકરી, તારે આવુ લફરું હતુ તો મને જરા વહેલાસર કહેવું હતુ ને? હવે તો તું દોષિત થઈ ચૂકી છે. તું ગુનેગાર છે એટલે સજા તો થશે જ…..’’ આમ સલાહના સૂરમાં આટલુ બધુ બોલી મમ્મી ચાલી ગઈ. તે ત્યારે…
વૈશાખીના વૃધ્ધિ પામતા હૃદયમાં, તેના મગજમાં મા….અને બાપના નામનો એક એવો અધિકાર છવાઈ ગયો કે, તેમાંથી છટકવુ મુશ્કેલ હતું. એટલે તેણે બધા સજાવેલા સપના અને બધા જ હથિયાર જાણે કે બુઠ્ઠા સાબિત થયા.
આમ દિવસો વીતવા લાગ્યા. નીરવને તો આ બનાવની ખબર સુધ્ધા કયાંથી હોય? કારણ કે, હવે વૈશાખીને ઘર બહાર પગ મૂકવાની મનાઈ થઈ ગઈ હતી. ને આ સજા તેણે તેના માથે ચડાવી તેથી દિવસ રાત બસ એ ઘરની ચાર દિવાલ વચ્ચે વિતાવવા લાગી.
એક મહિના પછીની એક રાતે પપ્પા-મમ્મી અને ધવલ ડ્રોંઈગ રૂમમાં બેઠા બેઠા હસતા હસતા કંઈક વાતો કરતા હતા. ત્યારે વૈશાખી અંદર શું વાત ચાલે છે તે સાંભળતા ધીમેથી હોલના બારણા પાસે જઈ છાની-માની વાત સાંભળવા ઉભી રહી. થોડીવાર તદ્દન શાંતિ રહી ત્યાં તો કોઇનો આ તરફ ચાલીને આવવાનો અવાજ આવતાં ઝડપથી વૈશાલી તેના રૂમ તરફ ભાગી. થોડીવાર થઇ ત્યાં તો સાચે જ ધવલ તેના રૂમમાં દાખલ થયો. વૈશાખી કંઇ બોલી નહીં માત્ર ભાઇને જાતી રહી.
નાનો ભાઇ ધવલ ખૂબ જ ભોળો અને સાચો હતો. વૈશાખીને ભઇલો ખૂબ વહાલો હતો. હા ક્યારેક ક્યારેક ભાઇ – બહેન ઝઘડી પણ પડતાં પરંતુ તરત જ પાછા સાથે ને સાથે. આમ વૈશાખી જૂનાં સંસ્મરણોમાં ભૂલી પડી. ત્યાં તો ધવલ બોલ્યો ઃ ‘બેન, તને પપ્પા બોલાવે છે..’
આમ કહી ધવલ તો સડસડાટ પાછો ચાલ્યો ગયો. પરંતુ વૈશાખી ધ્રુજી ગઇ. તેને મનમાં થયું ઃ શું કામ હશે…પપ્પાને ?’ (ક્રમશઃ)