“એ..એ..એ..રામ..રામ..બોસ !”
“લે બકા, કેમ આજે રામરામ..રામરામ કરે છે.
અયોધ્યામાં ફરી ચૂંટણી આવીને એમાં મંદિરવાળા ચૂંટણી જીતી ગયા કે શું??”
“તમેય તે શું બોસ. આજે આખા વરસનો સારો દિવસ છે. આજે બેસતું વરસ છે ને તમે હજી રાત્રિ પોશાકમાં આંટાફેરા મારો છો. બાયું માણહે વહેલાં જગાડ્‌યા નથી કે શું!??”
“પેલા તું કે, તને આજે વહેલો કોણે જગાડયો ?”
“અમારા બાયું માણહે. બીજા વળી કોણ જગાડે ?
તમારી જેમ અમારે થોડું છે..!!”
“અરે પણ આજે ધોકો છે ધોકો.”
“અમે કોઈ વરહે ધોકા બોકામાં માનતા નથી. અમે તો ધોકાનેય ધબધબાવી નાખીયે. ઈ વળી હું ધોકો..!!
ધનતેરસ, કાળીચૌદશ અને દિવાળીનો ઉભરો આ ધોકો ભાંગી નાખે છે. માણહને હું કરવું ઈ જ હુજકો પડતો નથી. એટલે અમે તો ધોકાનો આઘો ઘા કરીને આજે જ નવું વરસ કરી નાંખ્યું.”
“હા પણ તું અને તમારા બે ચાર ગામ નવું વરસ કરે એટલે ધોકો થોડો જ ભાંગી જવાનો છે.”
ધોકો..ધોકો..ધોકો. હાંભળીને બેરાલાલ વચ્ચે કૂદી પડ્‌યા.
“આ તમે ધોકાને બઉ ચડાવ્યો છે તે. આ તમારો ધોકો કામ તો કરતો નથી.”
“લો કરલો બાત ! બેરાલાલ ! બાયુંના હાથમાં ધોકો આવે ને તો હારા હારા ભાયડાને ધોઈ નાખે. સોરી..સોરી..! ભાયડાના કપડાંને ધોઈ નાખે.
અને વધારે જરૂર પડે ને તો…ઓ..”
“રેવા દે બકા, તું રેવા દે. આ ભારતની અગિયાર અગિયાર બાયુંના હાથમાં ધોકા હતા. છતાંય વર્લ્ડકપમાં આ તમારા ધોકા કામ આવ્યા??
આ હમણા જ તમારા અગિયાર અગિયાર ભાયડાના હાથમાં મોંઘા મોંઘા ધોકા હતા. તોય હંધાય થઈને પસાહ રન નો કરી હેકયાં અને ઓલ્યાએ તરત જ સારહો રન ઠોકી દીધા.
અને જેને કરીકેટમાં કોઈ ગણતું નથી એવા ઝિમ્બાબ્વેએ હમણા ટી૨૦ મેચમાં વર્લ્ડ રેકોર્ડ કરીને ૩૪૪ રન ધોકાવી નાખ્યા. આમાં કોના ધોકા હારા ગણવા.
છતાંય તમે ધોકાની પારાણ લયને બેઠા છો !??”
હવે અભણ અમથાલાલને બોલ્યા વગર હાલે એમ નહોતું. “બેરાલાલ .., ધીમો પડ, ધીમો પડ. આ ઈ ધોકાની વાત નથી. ઈ ધોકા તો હવે વગ વાળાને જ મળે છે અને ધોવાના ધોકા તો હવે સગેવગે થઈ ગ્યા છે.”
“તો પછી તમે ક્યા ધોકાની વાત કરો છો? ઓલ્યા મોટા શેરમાં રાત્રે નફ્‌ફટ લોકો હાથમાં ધોકા લયને નીકળે છે અને જેની તેની ગાડીના કાચ ફોડે છે. ઈ ધોકાની વાત કરો છો ??”
“ના.. અમથાલાલ ના.. આ ઈ ધોકાની વાત નથી.
અને ઈ ધોકાવાળાને હવે પોલીસનો ડર લગરીકેય રહ્યો નથી. પોલીસેય હવે એમની લાજ કાઢતી થઈ ગઈ છે. આ તો બે વરસ વચ્ચે જે દિવસ આવે છે એ ધોકાની વાત છે. કેટલાં વરહથી આ ધોકો આવીને ઊભો રહી જાય છે. એને કોઈ ધોવા વાળુંય, મતલબ કે’વા વાળુંય નથી ?”
“જો ભાઈ..! વિદ્યાર્થીઓ બધા ભણવામાં પડ્યા છે.
એના મા બાપો ફી ભરવામાં પડ્યા છે. રાજકારણીઓ બધા ચૂંટણીમાં પડ્યા છે.”
“એટલે..? બીજાં કોઈ છે જ નહીં??”
“છે ને, છે ને. ઘણાંય છે. કથાકારો બધા કથા વાંચવામાં મશગૂલ છે. કલાકારો પૈસા ભેગા કરે છે
અને હવે વધ્યા કેટલાં ?? એમાં અંબાલાલ જેવા વરસાદ વરહાવવામાં પડ્યા છે અને જ્યોતિષીઓ તો એક થવાના નથી.”
“તો પછી .., આખરે આ ધોકાને ભાંગશે કોણ ??
ઓલ્યા બાપુ, બગલા ભગત, કે બેટા, તુમને સુબહમે ક્યા ખાયા થા ? આવા બધા ક્યાં ગયા છે??”
“એ બધાની દુકાનના હમણા પાટીયા પડી ગયા છે.
અને બાકી રહ્યા ઈ પોતાના વાડાની વાડ કરવામાં મથી રહ્યા છે. બાકી મારા તમારા જેવાનું માને ય કોણ !??”
“અરે પણ ! શું આવડો મોટો દેશ અઠેગઠે જ હાલશે ??”
“ના ના ના, પંચાંગ પ્રમાણે હાલશે.”
“લે ત..ઈ..! હાસાં કે ખોટાં તને ય રામરામ..!! અને હૌને રામરામ..!!!