બગસરા એસ.ટી.ડેપોના કથળેલા વહીવટને કારણે દરરોજ ૧પથી ર૦ રૂટ બંધ રહેતા હોવાથી શહેરીજનો અને ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો જેથી લોકોની મુશ્કેલી ધ્યાને લઈ ચેમ્બર ઓફ કોમર્સ અને પેસેન્જર એસો.એ શનિવારના રોજ બગસરા બંધનું એલાન આપ્યુ હતું. જા કે એલાન બાદ એસ.ટી.તંત્ર સફાળુ જાગી ધારાસભ્યની હાજરીમાં બંધ થયેલા રૂટ ચાલુ કરવા માટે લેખીત બાહેધરી આપતા શનિવારે આપવામાં આવેલુ બંધનું એલાન પરત ખેંચવામાં આવ્યુ છે. બગસરા એસ.ટી.ડેપોનો વહીવટ છેલ્લાં ઘણા સમયથી ખાડે ગયો છે. લોકોની નવા રૂટ શરૂ કરવાની માંગ તો દૂર રહી પરંતુ ચાલુ રૂટ પણ બંધ કરી નાખવામાં આવે છે. તેથી શનિવારે બગસરા બંધનું એલાન આપવામાં આવ્યુ હતું. એલાન બાદ ધારાસભ્ય જે.વી.કાકડીયા તાત્કાલિક દોડી આવ્યા હતા અને સામાજિક સંસ્થાઓ સાથે બેઠક યોજી હતી અને બંધ થયેલા એસ.ટી. રૂટ ચાલુ કરવાની લેખીતમાં બાહેધરી આપી હતી તેમજ ડિસેમ્બરમાં નવા ડ્રાઈવર આવશે ત્યારે બંધ થયેલા તમામ રૂટ શરૂ કરવાની બાહેધરી આપી હતી. સાથોસાથ આવનારા સમયમાં બગસરા-વડોદરા-પાવાગઢ, માતાના મઢ, ગાંધીનગર, દ્વારકા, નાથદ્વારા બસ ચાલુ કરવાની પણ ખાતરી આપવામાં આવી હતી.









































