ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ ડિવિઝન હેઠળની એક નફાકારક સેવા અને કમાઉ દીકરા સમાન રૂટ પર મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રાજકોટ ડેપો દ્વારા સંચાલિત ‘ગુર્જર નગરી એક્સપ્રેસ’ (રાજકોટ-દીવ વાયા વેરાવળ, કોડીનાર) બસ તેના નિર્ધારિત સમય કરતાં એક કલાકથી વધુ મોડી પડતાં મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ રૂટ દીવ, કોડીનાર અને આસપાસના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના લોકોને રાજકોટની હોસ્પિટલોમાં સારવાર કરાવવા જવા માટે અત્યંત અનુકૂળ છે. જોકે, આ બસ રાજકોટ પહોંચવાના નિર્ધારિત સમય (સવારે ૧૦ઃ૦૫ વાગ્યે) પર ક્યારેય સમયસર પહોંચતી નથી. મુસાફરોનો આક્ષેપ છે કે રાજકોટ એસ.ટી.ના અધિકારીઓ ચેમ્બરમાં બેસીને માત્ર ઓર્ડર આપવા સિવાય મેદાન પરની વાસ્તવિક સ્થિતિની તપાસ કરતા નથી. રાજકોટ-દીવ બસનો ઉપડવાનો સમય પોણા બાર વાગ્યાનો છે, પરંતુ તે ક્યારેય પણ સમયસર ઉપડતી નથી. મુસાફર જનતાની માંગણી છે કે અધિકારીઓએ ચેમ્બરમાં બેસી રહેવાને બદલે બસ સેવા સમયસર ચાલી શકે અને મુસાફરોની હાલાકી દૂર થાય તેવા પ્રયત્નો કરવા જાઈએ.








































