એસ.એચ. ગજેરા કેમ્પસમાં શનિવારના રોજ, ધોરણ ૧ થી ૮ ગુજરાતી, અંગ્રેજી અને મિશ્ર માધ્યમ પ્રાથમિક શાળા તેમજ એસ.એચ. ગજેરા સંચાલિત વિદ્યાસભા જ્ઞાનશક્તિ શાળામાં “બેગલેસ-ડે” ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. “બેગલેસ-ડે”નો પ્રારંભ એક વિશેષ પ્રાર્થનાસભા કાર્યક્રમથી થયો હતો, જેમાં ૐકાર નાદ, સમૂહ પ્રાર્થના અને વિદ્યાર્થીઓ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું. પંચાંગ, જાણવા જેવું, સમાચાર પત્ર, ધૂન, ભજન, બાલગીત, લોકગીત, લગ્નગીત, દેશભક્તિગીત, સમૂહગીત, ભગવદ્દ ગીતા શ્લોક અને રાષ્ટ્રગાન જેવા વિવિધ ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્ઞાનશક્તિ શાળાના ધોરણ ૬, ૭ અને ૮ના વિદ્યાર્થી બહેનો અને ભાઈઓએ પણ અવનવી સાંસ્કૃતિક-સાહિત્યિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.ત્યારબાદ, બધા જ વિદ્યાર્થીઓને યોગ, પ્રાણાયામ અને આસન જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. આ ઉપરાંત, વક્તૃત્વ સ્પર્ધા, લોકવાર્તા, નિબંધ સ્પર્ધા, માટીકામ, સર્જનાત્મક પ્રવૃત્તિઓ, ચિત્રકળા, એકપાત્ર અભિનય, નાટક, શાયરી-ગઝલ-કાવ્ય લેખન, દુહા-છંદ-ચોપાઈ વગેરેનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ રસપૂર્વક ભાગ લઈને આનંદદાય શનિવારની ખૂબ જ મજા માણી હતી.