ખાંભાના ડેડાણના વતની અને હાલ સુરત રહેતા એક વ્યક્તિ વતનમાં મિત્રની કાર લઈને આવ્યા હતા. પોતાના ગામથી બીજા ગામ તેમના સંબંધીને દવા આપવા ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે કારમાં આગ લાગતાં તેમનો મહામુસીબતે જીવ બચ્યો હતો. આ અંગે હાલ સુરતના વરાછામાં રહેતા અને મૂળ ડેડાણના પટેલપરાના નિવાસી પરેશભાઈ ઘુસાભાઈ ચોવટીયા (ઉ.વ.૪૩)એ જાહેર કર્યા મુજબ, તેઓ તેમના મિત્રની ફોરવ્હીલ લઇને વતન આવ્યા હતા. ડેડાણથી તેઓ જીવાપર ગામે તેમના સંબધીને દવા આપવા માટે ગયા હતા અને પરત આવતા હતા તે દરમિયાન ગાડીમાંથી અચાનક ધૂમાડો થતાં ગાડી લોક થઇ ગઈ હતી. જે બાદ તેઓ કાચ તોડીને બહાર નીકળી ગયા હતા અને થોડીવારમા આખી ગાડી આગમાં લપેટાઈ ગઈ હતી.