બનાસકાંઠા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં મોટી હલચલ જાવા મળી  રહી છે. એશિયાની સૌથી મોટી અને બનાસકાંઠાના પશુપાલકો માટે જીવાદોરી સમાન બનાસ ડેરીની નિયામક મંડળની ચૂંટણી જાહેર થઈ છે. આ ચૂંટણીને કારણે સમગ્ર જિલ્લાનું સહકારી રાજકારણ ગરમાયું છે.ચૂંટણી કાર્યક્રમ મુજબ, ૧૦ ઓક્ટોબરે બનાસ ડેરીના નવનિયુક્ત ડિરેક્ટર મંડળ માટે મતદાન યોજાશે અને ૧૧ ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. આ ચૂંટણી કુલ ૧૬ ડિરેક્ટરોની બેઠકો માટે યોજાવાની છે, જે બનાસ ડેરીના સંચાલનનું ભાવિ નક્કી કરશે.ઉમેદવારો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો ૨૨ સપ્ટેમ્બર સુધી પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કરી શકશે, જ્યારે ૨૯ સપ્ટેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. આ ચૂંટણીને લઈને રાજકીય ગલિયારોમાં અત્યારથી જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, અને કયા ઉમેદવારો મેદાનમાં ઉતરશે તે અંગે ઉત્સુકતા જાવા મળી રહી છે.બનાસ ડેરીની ચૂંટણી હંમેશાં જિલ્લાના સહકારી માળખામાં એક મહત્વપૂર્ણ ઘટના રહી છે, અને આ વખતે પણ પરીસ્થિતિ કંઈ અલગ નથી. આ ચૂંટણીનું પરિણામ બનાસકાંઠાના ડેરી ઉદ્યોગ અને હજારો પશુપાલકોના ભવિષ્ય પર સીધી અસર કરશે.