Stethoscope with Trophy - White Background - 3D Rendering

વનવાસ પૂર્ણ કરીને અયોધ્યા પાછા ફરેલા ભગવાન રામનો રાજ્યાભિષેક હતો. અયોધ્યાના આંગણે સંસારનો સૌથી મોટો પ્રસંગ હતો. ચારે ભાઈઓ અને મંત્રીગણ ચર્ચા કરી રહ્યા હતા કે આ પ્રસંગે કોને કોને આમંત્રણ આપવું. યાદી બની રહી હતી તો ભાઈઓએ રામને પૂછ્યું, ‘મોટાભાઈ તમારા તરફથી કોઈ ખાસને આમંત્રણ આપવાનું થાય છે ?’ રામે કહ્યું કે ‘હું તો ચૌદ વર્ષ વનવાસમા હતો, અહી આજુબાજુ કોણ રાજા છે મને ખબર નથી, એ બધાને તમે તમારી રીતે આમંત્રણ આપો, પણ, વનવાસ દરમિયાન મારા તરફથી એક ખાસ આમંત્રણ એ નિષાદરાજ કેવટને આપજો, જેનું મારા પર ઋણ છે. જેણે મને ગંગા પાર કરાવી છે અને ઉતરાઈ નથી લીધી.’

શ્રીરામચરિતમાનસની ચોપાઈમા આ પ્રસંગ માટે ગોસ્વામી તુલસીદાસજીએ લખ્યું છે,

मागी नाव न केवटु आना । कहइ तुम्हार मरमु मैं जाना ॥

चरन कमल रज कहुं सबु कहई । मानुष करनि मूरि कछु अहई ॥

સંસારના સૌથી મોટા મનોરથમાં, મુખ્ય મનોરથી તરફથી એક માત્ર વનવાસીને આમંત્રણ આપવામાં આવે છે. સક્ષમનો આદર અને પ્રમાણિકને પુરસ્કાર એ રાજ્યની પુણ્યફરજ છે. રામાયણમાં ભગવાન રામે આવા અત્યંત છેવાડાના માણસોને યાદ રાખીને સમાજની પહેલી હરોળમાં બેસાડ્યા છે. નિષાદરાજ કેવટ, શબરી, જટાયુ, ખિસકોલી, સુગ્રીવ, જાંબુવાન, નલ-નીલ, અંગદ જેવા અનેક કિરદાર જેને રામે પોતપોતાના કર્મ અનુસાર પુરસ્કૃત કર્યા છે. સમાજના છેવાડાના વર્ગનો માણસ જે રાજ્યને પોતાના કોઈપણ ઉપાયે ઉપયોગી થયો છે, એને બિરદાવવાની ભારતીય સંસ્કૃતિ રામાયણ કાળથી પ્રસ્થાપિત છે.

આધુનિક યુગમાં દરેક દેશ પોતાની પ્રતિભાઓને સન્માને છે. દેશ માત્ર રાજપુરુષો જ નથી ચલાવતા. પ્રતિભાઓ, કે જે દેશની સાંસ્કૃતિક, સેવાકીય, સાહિત્યિક, કળા, સંશોધન અને સામાજિક ધરોહર સાચવીને બેઠેલ છે. જે કદાચ રાજકીય પ્રવાહની પણ વ્યક્તિ નથી, પણ જે રાજકીય પ્રવાહમાં સામેલ થયા વિના દેશને ઉપયોગી થઇ રહી છે. તુલસી ગોવડા, હરેકલા હજબ્બા, રામ ભંભુ, મોહમ્મદ શરીફ, રહીબાઈ, કે.વાય. વેંકટેશ, શ્રીનંદ પૃષ્ટિ, માતા મંજઅમ્મા જોગતી આ બધા અને આવા અનેક નામો જે હિન્દુસ્તાનની જનતાએ ક્યારેય પણ નથી સાંભળ્યા. એ શુ કરે છે એ પણ એવોર્ડ જાહેર થવાથી ખબર પડી છે. કોઈએ ફળો વેંચીને પોતાના ગામમાં નિશાળ બનાવી છે, કોઈએ વૃક્ષો ઉછેર્યા છે, કોઈએ કોરોનાકાળમાં હજારો મૃતદેહોના અગ્નિ સંસ્કાર કર્યા છે. આમાંના ઘણા એવા છે જેને દેશના સર્વોચ્ચ નાગરિક એવા રાષ્ટ્રપતિશ્રીએ પોતાના સ્ટેજથી નીચે ઉતરીને એવોર્ડ અર્પણ કર્યા છે. એમના કર્મોએ એમને એ ઉંચાઈ બક્ષી છે કે દેશના મહામહીમે પોતાના સ્થાનેથી નીચે ઉતરીને નવાજ્વા પડ્યા છે. આ એ છે જેનાથી એવોર્ડની ગરિમા વધી છે. બાકી તો ઈંગ્લેન્ડમાં આજે પણ ક્વીન સામે ઘૂંટણીએ પડીને એવોર્ડ સ્વીકારવાનો રિવાજ છે.

ઐતિહાસિક નિયતિવાદ હેઠળની પોતાની થીયરીમાં માર્ક્સવાદી ફિલસૂફ ફ્રેડરિક એંગલ્સે લખ્યું હતું, “જયારે જે માણસની ઈતિહાસને જરૂર પડે છે ત્યારે ઈતિહાસને એ પ્રકારનો માણસ મળી રહે છે.” સમાજના અંતરિયાળ ખૂણે બેસીને આ માણસ પોતાનું અવતારકૃત્ય સિદ્ધ કરતો રહે છે. કોઈપણ જાતના વળતર, માન અકરામ, શાબાશીની અપેક્ષા વગર પોતાનું કામ કર્યે જાય છે. દેશ, સમાજમાં જયારે આપત્તિઓ આવી પડે છે, વિષમ પરિસ્થિતિ ઉભી થાય છે ત્યારે કાલની ગર્તમાંથી એ આભા પ્રગટે છે. તાજેતરમાં કોરોનાના કપરાકાળમાં આપણે જોયું હતું કે જટાયુ જેવા શોર્ય પુરુષો શેરીએ શેરીએ કોરોના રૂપી રાવણને લલકારી રહ્યા હતા, અને ખિસકોલીવૃતિથી દેવદૂતો જેવા સેવાભાવીઓ આ મહામારી પાર કરી જવા માટે સેતુ બાંધવા ધૂળમાં આળોટી રહ્યા હતા. કદાચ કાલે કોઈ ખભો થાબડે કે ન થાબડે એવા નિર્લેપ ભાવથી કામ કર્યે રાખવું અઘરું છે. પોતાની એ.સી. ચેમ્બરમાં બેસીને કોમેન્ટ પાસ કર્યા રાખતા અને સોશ્યલ મીડિયાના ઉકરડામાં નકાર સુંઘ્યા રાખતા ગટરછાપ વ્હાઈટ કોલર પ્રાણીઓ કરતા આ છેવાડાનો અદનો આદમી સમાજને વધુ ઉપયોગી સાબિત થઇ રહ્યો હતો. એ વ્હોટ્સએપ કે ફેસબુક યુનીવર્સીટીના અર્ધશિક્ષિતની કોમેન્ટનો મોહતાજ નથી હોતો.

ભૂતકાળમાં મામકા પાંડવા ધોરણે અપાઈ ગયેલા એવોર્ડ જેમ ચોમાસામાં દેડકાઓ ભૂગર્ભમાંથી બહાર આવે તેમ પોતાના આકાઓની વિરુદ્ધના વાતાવરણમાં પરત આવી ગયા છે. આખી એક એવોર્ડ વાપસી ગેંગ ઉભી થઇ ગઈ. શાહબુદ્દીનભાઈ રાઠોડ જે વાત કહે છે તેમ જુના ખરલમાંથી અમલ ચાખીને જેમ ઉંદરડી બે પગે ઉભી થઈને મીંદડાને લલકારવા લાગી હતી, બિલકુલ એવી આ વાત હતી. પાત્રતા વિના અપાયેલું હજમ નથી થતું. આ બધા દરબારી ખુશામતખોરીના પુરસ્કારો હતા જે રાજકીય ચાટુકારિતાની લાયકાત આધારે અપાયેલ હતા. આમાંની ઘણી એવી વ્યક્તિઓ હતી જેની કક્ષા ઔરંગઝેબના દરબારમાં દાઢી માપવા રાખેલ વ્યક્તિની હતી. જેનું કામ માત્ર દરબારમાં બેસતા વ્યક્તિઓની દાઢી માપવાનું હતું. આવા એવોર્ડ માટે ગુજરાતના કવિ કરસનદાસ માણેકે લખ્યું છે,

મને એ સમજાતું નથી કે શાને આવું થાય છે ?  ફૂલડાં ડૂબી  જતાં  ને  પથ્થરો  તરી જાય છે !

કામધેનુને   મળે   ના   એક   સુકું   તણખલું,  ને  લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે !

ક્વિક નોટ — અસ્તિત્વવાદના પ્રણેતા, ફ્રાંસના મહાન લેખક જ્યોં પોલ સાર્ત્ર ત્યાંની પ્રજા માટે હિરો હતો. સાર્ત્ર કોઈ મુદ્દે ફ્રાંસ સરકારના વિરોધમાં પેરીસની સડકો પર ઉતર્યા અને સરકાર સામે તેઝાબી ભાષણો શરુ કર્યા, ત્યારે કોઇએ ફ્રાંસના પ્રમુખ દ’ગોલને સાર્ત્રને જેલમાં પૂરવા કહ્યું ત્યારે દ’ગોલે કહ્યું હતું,  ”સાર્ત્રને ન પકડી શકું સાર્ત્ર તો ફ્રાંસ છે.“  એ શાસક અને કલાકારની ઉંચાઈ હતી. આ એ સાર્ત્ર હતા જેણે વિશ્વનો સૌથી ઉંચો નોબલ પારિતોષિક સ્વીકારવાની ના પાડી દીધેલી.