અંતે ‘એર ઈન્ડિયા’ વેચાઈ ગઈ.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કરેલી જાહેરાત પ્રમાણે તાતા ગ્રુપમાં સૌથી વધારે હિસ્સો ધરાવતા તાત સન્સે એર ઈન્ડિયા ખરીદી લીધી છે.  એર ઈન્ડિયા ખરીદવા માટે તાતા સન્સ અને સ્પાઈસજેટના અજયસિંહ એમ બે જ કંપની મેદાનમાં હતી.  આ બેમાંથી તાતા સન્સની બોલી વધારે હોવાથી એર ઈન્ડિયા અંતે તાતા ગ્રુપ પાસે ગઈ છે. તાતા સન્સે  રૂપિયા 18 હજાર કરોડમાં એર ઈન્ડિયા ખરીદી છે.

મોદી સરકાર છેલ્લાં બે વર્ષથી સરકારી વિમાની કંપની ‘એર ઈન્ડિયા’ને વેચવા મથતી હતી પણ સફળતા નહોતી મળતી. મોદી સરકારે પહેલી વાર 2018ના માર્ચમાં એર ઈન્ડિયા વેચવા માટે ઓફરો મંગાવી હતી. એ વખતે મોદી સરકારે ‘એર ઈન્ડિયા’ 76 ટકા હિસ્સો વેચવા કાઢેલો પણ કોઈ ખરીદદાર નહોતા મળ્યા. મોદી સરકારે તારીખ લંબાવીને નવેસરથી ઓફરો મંગાવી છતાં કોઈ ખરીદદાર આગળ ના આવતાં મોદી સરકારે વ્યૂહરચના બદલીને 2020ના જાન્યુઆરીમાં નવેસરથી બિડ બહાર પાડીને એર ઈન્ડિયાની ખરીદવા રોકાણકારો આગળ આવે એ માટે કેટલાંક આકર્ષણો ઉમેરેલાં. મોદી સરકારે  એર ઇન્ડિયાનો 100 ટકા હિસ્સો ઉપરાંત એર ઇન્ડિયાની સસ્તી વિમાની સેવા એર ઇન્ડિયા એક્સપ્રેસનો 100 ટકા હિસ્સો વેચવાની જાહેરાત કરેલી. એર ઇન્ડિયાએ સિંગાપુર એરલાઇન્સ સાથે મળીને કરેલા સંયુક્ત સાહસ એર ઇન્ડિયા- સેટ્સ એરપોર્ટ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડનો 50 ટકા હિસ્સો પણ એર ઈન્ડિયા ખરીદનાર કંપનીને વેચી દેવાનું એલાન કરાયેલું.

મોદી સરકારની જાહેરાત સામે ભારે કકળાટ થયો હતો. ભાજપના જ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આ નિર્ણયને દેશનું અપમાન ગણાવીને સુપ્રીમ કોર્ટમાં જવાની ચીમકી આપી હતી. કોંગ્રેસ સહિતના વિપક્ષોએ પણ આ નિર્ણયને આઘાતજનક ગણાવીને વિરોધ કર્યો હતો પણ મોદી સરકારે આ બધી વાતોને અવગણીને એર ઇન્ડિયાનો 100 ટકા હિસ્સો તથા અન્ય કંપનીઓમાં પણ સરકારનો હિસ્સો વેચવાનું ટેન્ડર બહાર પાડી દીધું હતું.

મોદી સરકારની ઓફર આકર્ષક હતી પણ કંપનીના માથે અઢળક દેવું છે ને હજારો કર્મચારીઓની જવાબદારી છે તેથી કંપનીઓ આગળ આવતાં ખચકાતી હતી. છેવટે સ્પાઈસ જેટ અને તાતા સન્સે હિંમત કરતાં મોદી સરકારનો છૂટકારો થયો છે.

એર ઈન્ડિયા વેચાઈ જશે તો હજારો કર્મચારીઓનું શું થશે એ સવાલ લાંબા સમયથી પૂછાતો હતો. તાતા ગ્રુપ દેશમાં સૌથી સિધ્ધાંતનિષ્ઠ અને માનવીય અભિગમ ધરાવતું ગ્રુપ છે. તેનો પરચો આપીને જાહેરાત કરી છે કે, એર ઈન્ડિયામાં અત્યારે , કોઈની પણ નોકરી નહીં જાય. તાતા સન્સ એક વર્ષ સુધી કોઈ કર્મચારીને છૂટા નહીં કરે. બીજા વર્ષે કંપની સ્વૈચ્છિક નિવૃત્તિની ઓફર આપશે ને કર્મચારીઓને ફાયદો થાય એ રીતે તેમને છૂટા કરશે. એર ઈન્ડિયામાં 12085 કર્મચારી કામ કરે છે તેમાં 8084 કાયમી અને 4001 કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસમાં કુલ 1434 કર્મચારી છે ને તેમને પણ હમણાં છૂટા નહી કરાય.

ટૂંકમાં કેન્દ્ર સરકાર અને કર્મચારીઓ બંનેનાં હિત સચવાય એ રીતે એર ઈન્ડિયાનો સોદો થઈ ગયો છે.

///////////////////////////

એર ઈન્ડિયા વેચાતાં કાળનું એક ચક્ર પૂરું થયું.

એર ઈન્ડિયાની સ્થાપના તાતા ગ્રુપે જ કરી હતી ને ફરી આ કંપની તાતા ગ્રુપના હાથમાં જ આવી ગઈ છે. એર ઈન્ડિયા એક ખાનગી કંપની તરીકે 1932માં અસ્તિત્વમાં આવી હતી. પછી સરકારી કંપની બની ને હવે 88 વર્ષ પછી ફરી ખાનગી કંપની બની જશે. એર ઈન્ડિયાની સ્થાપના તાતા ગ્રુપે 15 ઓક્ટોબર, 1932ના રોજ તાતા એર સર્વિસીસ તરીકે કરી હતી.  તાતા એર સર્વિસીસ ભારતની પહેલી વિમાની કંપની હતી અને જે.આર.ડી. તાતા ભારતની પહેલી એરલાઈન્સના સ્થાપક હતા. આ કંપનીની સ્થાપના કુરિયર્સ લઈ જવા કરાઈ હતી. તાતા ગ્રુપને બ્રિટિશ કંપની  ઈમ્પીરિયલ એરવેઝ તરફથી ટપાલો લઈ જવાનો કોન્ટ્રાક્ટ મળ્યો તેના કારણે તાતા ગ્રુપે બે સિંગલ એન્જીન થ્રી સીટર વિમાન ખરીદીને ભારતની પહેલી એરલાઈન્સ શરૂ કરી.

એર ઈન્ડિયાની સ્થાપના વખતે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા બ્રિટિશ ઈન્ડિયાનો ભાગ હતાં. કંપનીએ શરૂઆતમાં કરાંચીથી મુંબઈ અને પછી ત્યાંથી ચેન્નાઈના રૂટ પર ટપાલો લઈ જવાની સેવા શરૂ કરી હતી. પછી કરાચીથી ચેન્નાઈ વાયા અમદાવાદ સેવા પણ શરૂ કરાઈ. આ વિમાન થ્રી સીટર હતાં તેથી એક પ્રવાસીને પણ સાથે લઈ જવાતો. પહેલા વર્ષની કામગીરીમાં 155 પ્રવાસીને હવાઈ સફર કરાવાઈ હતી ને  તાતા ગ્રુપે  પહેલા વર્ષે જ 60 હજાર રૂપિયાનો નફો કરેલો. આ સફળતાથી પોરસાઈને તાતા ગ્રુપે 1938માં મુંબઈથી ત્રિવેન્દ્રમની છ પ્રવાસીને લઈ જવાય એવી પહેલી ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરી. એ જ વર્ષે કંપનીનું તાતા એરલાઈન્સ કરીને દિલ્હી તથા કોલંબોની ફ્લાઈટ શરૂ કરાઈ. 1939માં બીજું વિશ્વ યુધ્ધ શરૂ થતા કંપનીનાં વિમાનોને બ્રિટિશ એરફોર્સ એટલે કે રોયલ એરફોર્સની મદદમાં મોકલાયાં હતાં. વિશ્વ યુધ્ધ પછી 1946માં કંપનીએ ફરી નિયમિત ફ્લાઈટ્સ શરૂ કરી. 1946માં જ કંપની  શેર બહાર પાડીને પબ્લિક લિમિટેડ કંપની બની. 29 જુલાઈ, 1946ના રોજ તેનું નામ એર ઈન્ડિયા કરાયું.

///////////////////////////

ભારત સરકારની એર ઈન્ડિયામાં એન્ટ્રી દેશ 1948માં થઈ.

ભારત સરકારે એર ઈન્ડિયાના 49 ટકા શેર ખરીદીને સરકારી કંપની બનાવવાની દિશામાં પહેલું કદમ ભરાયું. 8 જૂન, 1948ના રોજ મુંબઈથી લંડન ફ્લાઈટ સાથે કંપનીએ વિદેશી વિમાની સેવા શરૂ કરી. એ પછી બહુ ટૂંકા ગાળામાં કેન્યા, રોમ, પેરિસ, બેંગકોક, હોંગકોંગ, ટોક્યો, સિંગાપોર વગેરેની ફ્લાઈટ શરૂ કરી દેવાઈ.

ભારત સરકારે 1953માં કાયદો પસાર કરીને કંપનીમાં બહુમતી હિસ્સો ખરીદીને કંપનીને સંપૂર્ણપણે સરકારના નિયંત્રણ હેછળ લાવી દીધી હતી.  જો કે જે.આર.ડી. તાતાને કંપનીના ચેરમેનપદે ચાલુ રખાયા હતા. તાતાએ સરકારી કંપની હોવા છતાં એર ઈન્ડિયાને આગળ લાવવા બહુ મહેનત કરી હતી. સૌથી પહેલાં તો તેમણે કંપનીને બે ભાગમાં વહેંચી દીધી. સ્થાનિક એટલે કે ડોમેસ્ટિક સેવા માટે ઈન્ડિયન એરલાઈન્સ નામે નવી કંપની બનાવાઈ. મૂળ કંપનીનું  નામ એર ઈન્ડિયા ઈન્ટરનેશનલ લિમિટેડ કરીને તેને વિદેશી વિમાની સેવાની કામગીરી અપાઈ.

કંપનીએ 1960માં પહેલું બોઈંગ 707 ખરીદ્યું ત્યારે  જેટ વિમાન ધરાવતી એશિયાની પ્રથમ એરલાઇન બની હતી. બોઈંગ 707 આવતાં આવતાં જ કંપનીએ ન્યુ યોર્કની ફ્લાઈટ શરૂ કરી. આ બિઝનેસ નફાકારક સાબિત થતાં તાતાએ જૂનાં બધા વિમાન વેચીને માત્ર બોઈંગ 707 જ રાખ્યાં. 1962માં કંપની પાસેનાં તમામ વિમાનો બોઈંગ હતાં. તમામ વિમાનો બોઈંગ હોય એવી એર ઈન્ડિયા વિશ્વની પહેલી એરલાઈન્સ હતી. બોઈંગ વિમાનોના જોરે એર ઈન્ડિયાએ જબરદસ્ત પ્રગતિ કરી. દેશની એક માત્ર વિમાની સેવા હોવાનો પણ તેને લાભ મળ્યો. એર ઈન્ડિયામાં પ્રવાસ કરવો સ્ટેટસ સિમ્બોલ ગણાય એવી સ્થિતી હતી.

જેઆરડી તાતાએ સરકારી એરલાઈન્સને નંબર વન બનાવીને જંગી નફો પણ કરાવ્યો.  તાતા 25 વર્ષ સુધી સરકારી એરલાઈન્સના ચેરમેન રહ્યા. તેમણે એર ઈન્ડિયાને બુલંદી પર પહોંચાડી. 1977માં કોંગ્રેસની સરકાર ગઈ ને મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા પછી તેમણે તાતાને રવાના કર્યા. એર ઈન્ડિયા માટે આ નિર્ણય ઘાતક સાબિત થયો ને તેનું પતન શરૂ થયું. તાતાએ એર ઈન્ડિયાને તેમણે પ્રોફેશનલી ચલાવી હતી અને રાજકારણીઓને ઘૂસવા નહોતા દીધા. તાતાની વિદાયપછી જે રાજકારણીઓ એર ઈન્ડિયા પર ચડી બેઠા ને ધીરે ધીરે એર ઈન્ડિયાને એ હદે કોરી ખાધી કે એક સમયે જંગી નફો કરતી એર ઈન્ડિયા ખોટ કરતી થઈ ગઈ.

આ ખોટ વધતી વધતી અત્યારે 70 હજાર કરોડ થઈ ગઈ છે. એર ઈન્ડિયા દરરોજ 24 કરોડ રૂપિયાનું નુકસાન કરે છે ને તેનાથી બચવા મોદી સરકારે છેવટે એર ઈન્ડિયાને વેચી દેવી પડી.

તાતાના હાથમાંથી ગયેલી એર ઈન્ડિયા ફરી તાતાને સોંપવી પડી.

///////////////////////////

એર ઈન્ડિયા મુદ્દે ભાજપે પણ કાળનું એક ચક્ર પૂરું કર્યું છે.

એર ઈન્ડિયાના વેચાણ મુદ્દે ભાજપે પણ બહુ ગુલાંટબાજી કરી છે. એર ઈન્ડિયાને વેચવાનો વિચાર સૌથી પહેલાં ભાજપ સરકારને જ આવેલો.  માઈકલ માસ્કરહાન્સ એર ઈન્ડિયાનો મેનેજિંગ ડિરેક્ટર હતો ત્યારે તેણે બેફામ ભ્રષ્ટાચાર કરીને એર ઈન્ડિયાની બુંદ બેસાડી દીધી હતી. અટલ બિહારી વાજપેયી સરકારે 2001માં માસ્કરહાન્સને સસ્પેન્ડ કર્યા પછી એર ઈન્ડિયાના ખાનગીકરણનો પ્રયાસ કરેલો પણ સફળતા નહોતી મળી. વાજપેયી સરકારે એર ઈન્ડિયા અને ઈન્ડિયન  એરલાઈન્સનું વિલિનીકરણ કરવા સહિતનાં પગલાં લીધેલા પણ કંપનીની ખોટ વધતી જ જતી હતી.

કેન્દ્રમાં મનમોહનસિંહની સરકાર આવી પછી 2009માં 30 હજાર કરોડ રૂપિયાનું પેકેજ એર ઈન્ડિયાને બચાવવા જાહેર કરેલું. એ નાણાં ક્યાંય ખર્ચાઈ ગયાં પણ એર ઈન્ડિયા ઉંચી ના આવી. કંટાળીને 2013માં કોંગ્રેસ સરકારે ખાનગીકરણની હિલચાલ હાથ ધરી હતી. તત્કાલિન નાગરિક ઉડ્ડયન પ્રધાન અજીતસિંહે કહેવું પડ્યું કે, એર ઈન્ડિયાને બચાવવી હોય તો ખાનગીકરણ સિવાય આરો નથી. વિપક્ષ ભાજપે હોબાળો મચાવેલો કે, એર ઈન્ડિયા દેશનું ગૌરવ છે ને તેને ન વેચાય.

મોદી સરકાર આવી પછી ભાજપનું વલણ બદલાઈ ગયું.

મોદી સરકારે પોતે જ દેશના ગૌરવને વેચી દીધું. અલબત્ત હકારાત્મક વલણ દાખવીને એવું પણ કહી શકાય કે, મોરારજી દેસાઈએ કરેલી ભૂલને મોદીએ સુધારી છે. મોરારજીએ તાતાને એર ઈન્ડિયામાં રહેવા દીધો હોત તો કદાચ ઈતિહાસ અલગ હોત.

મોદી સરકાર તથા એ પહેલાંની કેન્દ્ર સરકારો પણ  દેશના ગૌરવને ના જાળવી શકી પણ આશા રાખીએ કે તાતા ગ્રુપ એર ઈન્ડિયાના ગૌરવને ફરી સ્થાપિત કરે, એક સ્વદેશી એરલાઈન્સને જીવંત કરે.

એર ઈન્ડિયાનું પ્રતિક મહારાજા છે.

તાતા ગ્રુપ દેશના છેલ્લા મહારાજાને ફરી મહારાજા બનાવે એવી આશા રાખીએ.