ગુજરાતના આરોગ્ય અધિકારીઓ કહે છે કે અમદાવાદમાં એર ઇન્ડિયા ફ્લાઇટ ૧૭૧ ના ક્રેશ સ્થળ પરથી મળેલા તમામ મૃતકોની ઓળખ એનડીએ અથવા ચહેરા દ્વારા કરવામાં આવી છે, જોકે એક કેસ બચી ગયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ભયાનક વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની કુલ સંખ્યા ૨૬૦ છે.
એક વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં ઘટનાસ્થળેથી કોઈ નવી લાશ મળી નથી. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડા. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે હજુ સુધી એક ડીએનએ સેમ્પલ મેચ થયો નથી. તે કોઈ મુસાફરનો હોઈ શકે છે. આ કેસ અંગે, એક અધિકારી કહે છે કે કાઢવામાં આવેલ ડીએનએ સેમ્પલ ખરાબ સ્થિતિમાં હોય તેવું લાગે છે. આવી સ્થિતિમાં, સંબંધીઓ દ્વારા આપવામાં આવેલા સેમ્પલ સાથે સફળતાપૂર્વક મેચ કરવામાં મુશ્કેલી પડી રહી છે. અધિકારીના જણાવ્યા અનુસાર, નવા સેમ્પલ લેવામાં આવશે.
ડા. જોશીના જણાવ્યા અનુસાર, ડીએનએ ટેસ્ટ દ્વારા કુલ ૨૫૩ પીડિતોની ઓળખ કરવામાં આવી છે અને ૬ લોકોની ઓળખ ચહેરા દ્વારા કરવામાં આવી છે.ડા. જોશીએ કહ્યું હતું કે, અકસ્માત સ્થળ હજુ પણ સાફ કરવામાં આવી રહ્યો છે. જ્યાં સુધી અમને ખાતરી ન થાય કે વધુ કોઈ પીડિતો મળશે નહીં, ત્યાં સુધી અમે અંતિમ મૃત્યુઆંક જાહેર કરી શકતા નથી.’ એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, મેઘાણીનગર અકસ્માત સ્થળ પરથી અત્યાર સુધીમાં કુલ ૩૧૮ મૃતદેહો મળી આવ્યા છે.
તમને જણાવી દઈએ કે ૧૨ જૂન, ૨૦૨૫ના રોજ લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ડ્રીમલાઈનર ફ્લાઈટ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેકઓફ થયાની થોડી જ વારમાં ક્રેશ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં વિમાનમાં સવાર ૨૪૨ લોકોમાંથી ૨૪૧ લોકોના મોત થયા હતા. ભારતીય મૂળના ૪૦ વર્ષીય બ્રિટિશ નાગરિક વિશ્વાસ કુમાર રમેશ આ અકસ્માતમાં એકમાત્ર બચી ગયા છે.










































