સુરત શહેરની અઠવાલાઇન્સ પોલીસે કુરિયર સર્વિસના પાર્સલમાંથી કિંમતી મોબાઇલ ફોન અને ટેબ્લેટની ચોરીના એક હાઈ-પ્રોફાઇલ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ ચોરીમાં કુરિયર કંપનીમાં કામ કરતા ૩ ડિલિવરી બોય તેમના માસ્ટરમાઇન્ડ સાથે સંડોવાયેલા હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ૪ આરોપીઓની ધરપકડ કરીને કુલ રુ.૨,૯૨,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ કેસની ફરિયાદ નાનપુરા ખાતે મોબાઇલ હેન્ડસેટનો ધંધો કરતા રાજેશ બ્રીજ બિહારી અગ્રવાલે નોંધાવી હતી. તેમણે ૧૭ એપ્રિલ, ૨૦૨૫ થી ૩૧ મે ૨૦૨૫ દરમિયાન એમેઝોન કુરિયર મારફતે કુલ ૧૦૯ મોબાઇલ ફોન અને ટેબ્લેટના પાર્સલ મોકલ્યા હતા. જેમાંથી ૧૪ કિંમતી વસ્તુઓવાળા પાર્સલ એમેઝોન સેન્ટર સુધી પહોંચ્યા જ નહોતા.પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, ચોરીનો મુખ્ય સૂત્રધાર ૪૯ વર્ષીય મોહમ્મદ અલ્તાફ ગુલામ હુસેન શેખ હતો. જેણે કુરિયર કંપનીના ડિલિવરી બોય ભૌતિક કાશીનાથ મિસ્ત્રી (ઉં.વ. ૨૦), આયુષ રણજીતભાઇ પટેલ (ઉં.વ. ૨૦) અને સલમાન સુલેમાન શેખ (ઉં.વ. ૨૩)ને પોતાની સાથે સામેલ કર્યા હતા.આરોપીઓએ ચોરીને અંજામ આપવા માટે તેમની નોકરીનો દુરુપયોગ કર્યો હતો. ડિલિવરી ચેઇનમાં હોવાને કારણે તેમને કિંમતી વસ્તુઓવાળા પાર્સલોની જાણકારી રહેતી હતી.પોલીસના જણાવ્યા અનુસાર, માલનું એક સ્થળેથી બીજા સ્થળે વહન થતું હોય, ત્યારે આરોપીઓ વેરહાઉસ કે વાહનોમાં પાર્સલોને નિશાન બનાવતા. તેઓ ખૂબ કાળજીપૂર્વક પાર્સલ ખોલીને અંદરથી મોબાઇલ ફોન કે ટેબ્લેટ કાઢી લેતા હતા. ફોન કાઢ્યા પછી, તેઓ ખાલી પાર્સલને ફરીથી એવી રીતે પેક કરી દેતા હતા કે સામાન્ય તપાસમાં કોઈને ચોરી થયાનો ખ્યાલ ન આવે, અથવા તો પાર્સલને જાણીજાઈને ગાયબ કરી દેતા.પોલીસને અંગત બાતમી મળી કે માસ્ટરમાઇન્ડ મોહમ્મદ અલ્તાફ શેખ નાનપુરા વિસ્તારમાં ચોરીના મોબાઇલ સાથે ઊભો છે. પોલીસે તાત્કાલિક દરોડો પાડી તેને ઝડપી લીધો હતો. તેની પાસેથી રુ.૧,૦૧,૦૦૦ની કિંમતના ૫ મોબાઇલ ફોન અને ૬૦,૦૦૦ની કિંમતનો છોટા હાથી ટેમ્પો મળી આવ્યો હતો.અલ્તાફની પૂછપરછના આધારે પોલીસે તેના અન્ય ત્રણ સાગરિતોને પણ ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી બાકીનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે કુલ રુ.૨,૩૨,૦૦૦ની કિંમતના ૧૧ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ અને વાહન સહિત કુલ રુ.૨,૯૨,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળતા બદલ અઠવાલાઇન્સ પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.









































