એમપીમાંથી ઝડપાયેલ ડ્રગ્સ ગાડીના છેડા હવે અમદાવાદ-ગાંધીનગર અને ભાવનગર થઈને વડોદરા સુધી અડ્યા છે. વડોદરાના રાવપુરા વિસ્તારમા આવેલી ક્લોરોફિલ્સ બાયોટેક પ્રાઇવેટ લિમિટેડને ત્યાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરાએ સ્થાનિક અધિકારીઓ સાથે તપાસ અભિયાન હાથ ધર્યુ હતુ. કંપનીના વેરહાઉસમાં દરોડો પાડીને ટ્રામાડોલની ૧૫૩૦૦ ટેબ્લેટ અને કોડીન ફોસ્ફેટની ૮૫૦ બોટલો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.
એનસીબીના ઇન્સ્પેક્ટર પ્રવીણ ધુળેએ જણાવ્યું હતું કે શુક્રવારે બપોરે સ્થાનિક ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ઇન્સ્પેક્ટર સંજય પટેલ સાથે એનસીબીની ટીમે ક્લોરોફિલ્સ બાયોટેક પ્રાઇવેટ લિમિટેડમાં તપાસશરૂ કરી હતી. કંપનીના વેરહાઉસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન પ્રતિબંધિત દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. તેમાં ટ્રામાડોલની ૧૫૩૦૦ ગોળીઓ અને કોડીન ફોસ્ફેટ સીરપની ૮૫૦ બોટલો મળી આવી હતી, જે જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સ્થાનિક ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા લેબોરેટરી પરીક્ષણ કરવામાં આવશે. આ કાર્યવાહીમાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રતિબંધિત જથ્થો મધ્યપ્રદેશમાંથી મળી આવ્યો હતો. તેમની તપાસમાં અમદાવાદ, ગાધીનગર અને ભાવનગરમાં પ્રતિબંધિત દવાઓની વિગતો બહાર આવી હતી. જેમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેની ઘનિષ્ઠ પૂછપરછ દરમિયાન વડોદરાના રાવપુરા રોડ પર આવેલી ક્લોરોફિલ્સ બાયોટેક પ્રા. લિમિટેડ કંપનીના વેરહાઉસ વિશે માહિતી મળી હતી. માહિતીના આધારે તપાસ કરવામાં આવી રહી છે અને પ્રતિબંધિત દવાઓનો જથ્થો મળી આવ્યો છે. આ કાર્યવાહીમાં પૂછપરછ માટે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. તપાસ દરમિયાન અન્ય માહિતી પ્રકાશમાં આવે તેવી શકયતા નકારી શકાતી નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ક્લોરોફિલ્સ બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપની કોડીન ફોસ્ફેટ નામની દવા બનાવે છે. તેની ફેક્ટરી મધ્યપ્રદેશમાં આવેલી છે. કોડીન ફોસ્ફેટ દવાનું ઉત્પાદન સરકારની મંજૂરી મુજબ જ કરવાનું છે. ડાક્ટરના પ્રિસ્કિપ્શન વિના આ દવાનું વેચાણ પ્રતિબંધિત છે. રાવપુરા વિસ્તારમાં આવેલી ક્લોરોફિલ્સ બાયોટેક પ્રા. લિમિટેડ કંપનીના વેરહાઉસમાંથી એનસીબી દ્વારા પ્રતિબંધિત દવાઓની રિકવરીથી દવાના વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે.