અમરેલી જીલ્લામાં ચૂંટણીના કારણે અનેક ચમત્કારીક બનાવો બન્યા છે. હજી ગઇ કાલ સુધી એક મિત્ર અમારી સાથે કોંગ્રેસ માટે થઈને જાન પણ કુરબાન કરવાની ૯.૮ની વાતો કરતા હતા એમને અમે કોંગ્રેસનો ભવ્ય વિજય થાય એવી શુભેચ્છાઓ આપી તો એમને ૧૦.૨૦ની તીવ્રતાનું ખોટું લાગી ગયું. મને કે’- ‘યાર, હું તો હવે ભાજપમાં છું…’ અમારે તાત્કાલિક શુભેચ્છાઓ પાછી ખેંચી લેવી પડી… કેમ કે આપડે સંબંધો બધે રાખવાના હોય…
પણ ભાજપમાંથી અમારા ઢગલાબંધ મિત્રોનું કોંગ્રેસીકરણ થયું. એક મિત્રએ કહ્યું કે, ‘સાલું, અસલી મજા તો કોંગ્રેસમાં જ છે. ભાજપ મોટો પક્ષ હોવાથી એમની ઓફિસે અમને કોઇ ગણતું નો’તું… અહિયાં તો વગર મેન્ડેટે ઉમેદવાર બની જઇએ તોય કોઇ કાંઇ બોલે નહીં…!’
રાજકારણમાં ચૂ઼ટણી એક એવો મિસ્ટ્રિયસ જંગ છે જેમાં અંતિમ તબક્કામાં દર કલાકે ચિત્ર બદલાય છે. રાજકારણમાં કોઇ કાયમી શત્રુ કે કાયમી મિત્ર હોતો નથી એટલે આપણે મૂરતિયા બનીએ એટલે ઉમેદવારી નોંધાવીએ અને ચૂંટણી એકદમ નજીક આવે પછી ચિત્ર એકદમ ધૂંધળું બની જાય છે. ખબર નથી પડતી કે લશ્કર ક્યાં લડી રહ્યું છે. ક્ષણભરમાં દોસ્ત હોય તે દુશ્મન બની જાય અને દુશ્મન ઘડીભરમાં દોસ્ત બની જાય એવી ઘટનાઓના ઉફાણા આવ્યા કરે. આપણા ખાસ માણસો દેખાતા બંધ થઇ જાય. ફોન કરીએ તો કહે – ‘હમણા કામમાં છું.’ ખરેખર એ કોઇ કામમાં ન હોય તો પણ આ દિવસોમાં એને ઘઘલાવી નાખવાનું રિસ્ક આપણે લઇ શકતા નથી. કેમ કે ડિપોઝિટ એક મત માટે થઇને ડૂલ થવાની હોય તો આ એક મત કામ લાગી શકે એવી કસી કસીને આપણે કરકસરભરી ગણતરીઓ કરતા હોઇએ…!
તો પાછા આપણે ઓળખતા પણ ન હોઇએ એવા લોકો આપણા ખાસ મિત્ર તરીકે ફૂટી નીકળે. મિત્રના રૂપમાં જ દુશ્મન તમારી સાથે હોય અને દુશ્મનના રૂપમાં દૂર રહેલો માણસ મિત્ર હોય, એવું આપણને કોઇએ કીધેલું હોય એટલે એમાં પણ આપણે કન્ફ્યુઝનના કરંડિયામાં પૂરાયેલા હોઇએ. પણ… ખાનગી હોય કે જાહેર હોય, કોન્ટેક્ટ મહત્વની ચીજ છે. રાજકારણમાં આવી અંધાધૂંધ અને ન કળાય તેવી સ્થિતિમાં એક સૂત્ર યાદ રાખવા જેવું – ‘જો સાથ મેં નહીં હૈ, વો સામને હૈ…’ મતલબ કે જે જાહેરમાં તમારી સાથે ચાલ્યા છે એમને ખાનગીમાં તમારી સાથે ચાલવું જ પડે કારણ કે એમની આબરૂનો સવાલ બની જાય છે. એમને ય પછી સાંભળવું પડે…